દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં બે ના મોત : 3ને ઈજાઓ

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે ત્યારે વિતેલા ચોવીસ કલાકની અંદર માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત નીપજ્યાંનું જ્યારે ત્રણ વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના નાની ખરજ ગામે બસ સ્ટેન્ડ પાટીયા પાસે બનવા પામ્યો હતો જેમાં ગત તા.14મી જુનના રોજ એક નંબર વગરની મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે રસ્તેથી ચાલતા પસાર થઈ રહેલા વજીયાભાઈ વીરસિંગભાઈ બારીયા (રહે. રળીયાતી, મિનામા ફળિયું, ગરબાડા રોડ, તા.જિ.દાહોદ) નાને પાછળથી મોટરસાઈકલથી જોશભેર ટક્કર મારતાં વજીયાભાઈ મોટરસાઈકની ટક્કરથી જમીન પર ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે સંજયભાઈ વજીયાભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે સ્ટેશન ફળિયામાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.15મી જુનના રોજ એક તુફાન ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડીમાં પેસેન્જરો ભરી પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ગામમાં રહેતાં હાતુડીબેન રમણભાઈ પારગી ઓસરીના આગળની દિવાલે તુફાન ફોર વ્હીલર ગાડી જોશભેર અથડાવતાં ગાડીના ચાલક પરેશભાઈ સળીયાભાઈ મછાર (રહે. વાસીયાકુઈ, તા. ફતેપુરા, જિ.દાહોદ), ગાડીમાં સવારે પેસેન્જરો પ્રકાશભાઈ રામજીભાઈ મછાર (રહે. વાગવડલા, તા. ફતેપુરા, જિ.દાહોદ), મનીષાબેન મુકેશભાઈ પારગી તથા હાતુડીબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં ગાડીના ચાલક પરેશભાઈને પેટના ભાગે તથા પીઠના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તો દવાખાનામાં સારવાર લઈ રહ્યાં છે. આ માર્ગ અકસ્માતમાં હાતુડીબેનના મકાનને ગાડી અથડાવતાં ઘરના પિલ્લર તથા છતને તોડી આશરે રૂા. 50,000 નુકસાન પહોંચ્યું હતું. આ સંબંધે ઈજાગ્રસ્ત હાતુડીબેન રમણભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.