દાહોદ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા રીલીઝ થનાર મહારાજ ફિલ્મ પર પ્રતિબંધની માંગ સાથે કલેકટરને આવેદન

દાહોદ,આગામી દિવસોમાં રિલીઝ થનાર મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા સંદર્ભે અને આ ફિલ્મમાં વૈષ્ણવ સમાજ સંપ્રદાયની લાગણી દુભાય તેવા ફિલ્મમાં કિરદારો દર્શાવતાં દાહોદના વૈષ્ણવ સંપ્રદાય દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરવામાં આવી છે.

આગામી દિવસોમાં રિલીઝ થનાર મહારાજ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવા માટે દાહોદ શહેરના વૈષ્ણવ સંપ્રદાયના લોકો દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં જણાવ્યાં અનુસાર, આગામી દિવસોમા ંટીવી ચેનલ નેટફ્લીક્સ ઉપર સિધ્ધાર્થ પી. મલ્હોત્રા દ્વારા નિર્દેશિત અને યશરાજ ફિલ્મ એન્ટરટેઈમેન્ટ હેઠળ આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત મહારાજ ફિલ્મ જેના મુખ્ય પાત્ર જુનૈદખાન તથા બીજા સાથી કલાકારો દ્વારા રિલીઝ થનાર છે. આ ફિલ્મ એક હિન્દુ ધર્મ અને તેના સમાવિષ્ટ વૈષ્ણવ સંપ્રદાય (હિન્દુ બનીયા), વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યશ્રી તેમજ સનાતન હિન્દુ ધર્મના આચાર્યશ્રી, ગુરૂ, સંત મહંતોનું પાત્ર દર્શાવીને સનાતન હિન્દુ ધર્મમાં ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય સમાજની લાગણી અને ઠેસ પહોંચાડી તેમજ યુવા પેઢીને તેમજ હિન્દુ ધર્મની વિશેષ કરી વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગુરૂને વિલન તરીકે દર્શાવી લાગણી દુભાય તેવી માનસિકતાથી આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ ભગવાન શ્રીકૃષ્ણ પર અભદ્ર ટીપ્પણી કરવામાં આવી છે તેમજ હિન્દુ ધર્મગુરૂઓ અને સનાતન હિન્દુ ધર્મને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ 150 વર્ષ પહેલાના કોર્ટ કેસ પર આધારિત છે તે સમયે અંગ્રેજોનું શાસન હતું તેઓ હિન્દુ સમાજને તોડવા માંગતા હતા અને આજે 150 વર્ષ પચી આ કેસ દ્વારા હિન્દુ ધર્મનું અપમાન કરવાનો નિરાશાજનક પ્રયાસ થઈ રહ્યો છે. જો આ ફિલ્મ રીલીઝ થશે તો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે. માટે દાહોદ સ્થિત વૈષ્ણવ સંપ્રદાયના વિવિધ સંસ્થાઓ દ્વારા આ આવેદનપત્ર આપી માંગણી કરીએ છીએ કે, અમો વૈષ્ણવ સંપ્રદાય તેમજ અમોના આચાર્યશ્રી અને સનાતન હિન્દુ ધર્મને કલંકિત કરવાનો પ્રયાસ થતો હોય આ ફિલ્મ પર ત્વરિત પ્રતિબંધ મુકાવવા દાહોદના વૈષ્ણવ સંપ્રદાય દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.