નડિયાદ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં અને જિલ્લાના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ.આ બેઠકમાં ઘઉં તથા ચોખાની ફાળવણી વિતરણ પ્રમાણ અને ભાવ,ખાંડ ફાળવણી અને ઉપાડ,ચણાના વિતરણ પ્રમાણ અને ભાવ,વાજબી ભાવની દુકાન તપાસણીની વિગત, કેસ નિકાસ, ડેઝિગ્રેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ દ્વારા કરેલ કામગીરી, મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી દ્વારા કરેલ કામગીરી અને માહે જુન-2024 દરમિયાન વાજબી ભાવની દુકાનનુ સ્થળફેર કરી દરખાસ્તની મંજૂરી આપવા બાબત સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા નાગરીક પુરવઠા બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા અનાજ વિતરણ કેન્દ્રોની તપાસ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા યોગ્ય સેમ્પલ ચકાસણી સહિત અન્નપુરવઠા વ્યવસ્થાપનને લઈ માર્ગદર્શક સુચનો કરવામાં આવ્યા હતા. જેમાં 100% અન્ન પુરવઠાનું વિતરણ થાય અને રાશનકાર્ડ ધારકો સુધી સમયસર પુરવઠો પહોંચાડવા, રાશનકાર્ડ માટે પાત્ર નાગરિકોને રાશનકાર્ડ મળી રહે તથા અન્ય નાગરિકો રાશનકાર્ડનો દુરુપયોગ ન કરે તેથી ખાસ તકેદારી લેવા અને અન્ન પુરવઠાનો જથ્થો લેવા ગ્રાહકોને ધક્કા ન ખાવા પડે તે અંગેનું ઉચિત વ્યવસ્થાપન કરવા નડિયાદ ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈએ સુચન કર્યુ હતુ. સાથે જ મહુધા ધારાસભ્ય સંજય મહિડાએ વિતરણ કટ્ટાના સુચારુ વ્યવસ્થાપન માટે તકેદારી રાખવા સુચવ્યુ હતુ.
આ બેઠકમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડા, પોલીસ અધિકક્ષક રાજેશ ગઢિયા, અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી, ઇ. ચા. જિલ્લા વિકાસ અધિકારી લલિત પટેલ, પ્રાંત અધિકારીઓ અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.