બિહારમાં ૧૭ લોકોથી ભરેલી બોટ પલટી, ૬ શ્રદ્ધાળુઓ લાપતા થયા

બિહારમાં આજે એક મોટો અકસ્માત સર્જાયો છે. પટના જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારમાં ઉમાનાથ ઘાટ પર ૧૭ લોકોથી ભરેલી બોટ પલટી ગઈ છે. બોટમાં સવાર લોકો ગંગા દશેરા નિમિત્તે સ્નાન કરવા જઈ રહ્યા હતા, પરંતુ પૂરના પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા અને અકસ્માતનો ભોગ બન્યા. ૧૧ ભક્તો તરીને બહાર નીકળ્યા, પરંતુ ૬ ભક્તો લાપતા છે, જેમની શોધ ચાલી રહી છે.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો નદી પર એકઠા થઈ ગયા હતા. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બચાવ કામગીરી હાથ ધરવા માટે ડાઇવર્સને બોલાવ્યા, જેઓ નદીમાં ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે. અકસ્માતના સમાચાર મળતાં જ લાપતા લોકોના પરિવારજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.