મુંબઇ,
કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નારાયણ રાણેના મુંબઈના જુહુમાં આવેલા બંગલાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનું કામ શરૂ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નારાયણ રાણેએ પોતાના બંગલાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનું કામ શરૂ કરી દીધું છે. રાણેના આધિશ બંગલાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશને પડકારતા રાણે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ તેમને રાહત નહીં આપતા હવે તેમણે પોતે જ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનું કામ શરૂ કરી દીધું છે.
આરટીઆઇ કાર્યર્ક્તા સંતોષ દાઉન્ડકરે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરી હતી કે જુહુમાં નારાયણ રાણેના આધિશ બંગલામાં અનધિકૃત બાંધકામ થયું છે. આ પછી બીએમસીએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૮૮૮ની કલમ ૪૮૮ મુજબ નારાયણ રાણેને નોટિસ મોકલી અને બંગલાની તપાસ કરી હતી. બીએમસીએ નારાયણ રાણેને ગેરકાયદે બાંધકામ તોડવા માટે નોટિસ મોકલી અને કહ્યું કે જો તેઓ પોતે ગેરકાયદે બાંધકામ દૂર નહીં કરે તો બીએમસી તેને તોડી પાડશે અને રાણે પાસેથી ખર્ચની વસુલી કરશે.
આ પછી રાણે બોમ્બે હાઈકોર્ટમાં ગયા હતા. ગેરકાયદે બાંધકામ તોડવાની સાથે હાઈકોર્ટે તેમને ૧૦ લાખ રૂપિયાનો દંડ ભરવા પણ કહ્યું હતું. આ પછી સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. હવે બંગલો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જુહુ સ્થિત આધિશ નામનો આ આઠ માળનો બંગલો છે. એવો આરોપ છે કે રાણેએ ૨૨૪૪ ચોરસ ફૂટમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે, જે મંજૂર નકશા કરતા ત્રણ ગણું વધારે છે. હવે ગેરકાયદે બાંધકામ તોડી પડાશે અને મંજૂર નકશા અનુસાર બાંધકામ રાખવામાં આવશે. કાર્યવાહી પૂરી થયા બાદ બીએમસી તેના પર રિપોર્ટ તૈયાર કરશે અને પછી તેને કોર્ટમાં રજૂ કરશે.
આ અંગે પ્રતિભાવ આપતાં, આરટીઆઇ કાર્યર્ક્તા સંતોષ દાઉદકરે બંગલાના અનાધિકૃત બાંધકામને તોડી પાડવાનું સ્વાગત કર્યું હતું. ઉપરાંત, તેમણે કહ્યું કે હજુ પણ સીઆરઝેડ હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેઓ આની પણ માંગ કરશે અને લડત ચાલુ રાખશે.