નીટ મામલે દોષીઓને આકરી સજા મળે

નીટ મામલે દોષીઓને આકરી સજા મળે

નીટ પરીક્ષામાં ગરબડ પર કેટલાય ચરણોમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ના ખુલાસાથી સાફ છે કે દાળમાં ઘણું કાળું છે. બિહાર અને ગુજરાત પોલીસની તપાસથી જો પેપર લીક પણ સાબિત થઈ જાય તો પછી આખી દાળ જ કાળી કહી શકાય. પેપર લીક વિશે એનટીએએ ઇનકાર કર્યો છે. પરંતુ નકલ અને ઇંપર્સોનેશન, એટલે કે કોઈ બીજાએ પરીક્ષા આપી હોય તેવા આરોપ સાચા સાબિત થઈ રહ્યા છે. નીટે હવે માની લીધું છે કે અયોગ્ય સાધનોનો ઉપયોગ કરવાના ૬૩ કેસો સામે આવ્યા છે. તેમાંથી ૨૩ને અલગ-અલગ અવધિ માટે પરીક્ષાથી વંચિત કરી દેવામાં આવ્યા છે અને બાકી ઉમેદવારોના પરિણામો રોકી દેવાયા છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ અનુસાર ગ્રેસ માર્કને ખતમ કરીને ૧૫૬૩ છાત્રોની ફરી પરીક્ષા કરાવવા સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. તેમનું રિઝલ્ટ ૩૦ જૂન પહેલાં આવવાથી કાઉન્સેલિંગમાં વધુ વિલંબ નહીં થાય.

બહુ વિરોધ અને સોશ્યલ મીડિયામાં વધી રહેલા દબાણ બાદ કેન્દ્ર સરકારે આંશિક કાર્યવાહી કરી છે. આખા મામલે કેટલાય પ્રકારની વિસંગતિઓ, વિરોધાભાસ અને અપરાધિક્તાના પાસાં પર તપાસ અને કાર્યવાહીનો મુદ્દો હજુ ઊભો છે. પરીક્ષામાં આવેદન કરવાની તારીખમાં વિના કારણે વધારો અને બે અઠવાડિયા પહેલાં જ રિઝલ્ટ જાહેર થવાથી પેદા થયેલ શંકાનું નિરાકરણ પણ જરૂરી છે. પરીક્ષાઓ અને નોકરીઓમાં વધી રહેલ ગરબડોને નેતાઓ અને રાજનીતિ સાથે ચોલી-દામનનો સાથ છે. લોક્સભા ચૂંટણી દરમ્યાન પશ્ર્ચિમ બંગાળમાં હાઇકોર્ટે હજારો શિક્ષકોની નિયુક્તિ રદ્દ કરી દીધી, જેના પર બાદમાં સુપ્રીમ કોર્ટે રોક લગાવી. એટલે ચૂંટણી પરિણાવાળા દિવસે એડવાન્સમાં રિઝલ્ટ જાહેર કરવા પર થઈ રહેલ ટીકા પર સરકાર તરફથી સ્પષ્ટતા જરૂરી છે. રાજ્યોમાં પોલીસની તપાસ, નિષ્ક્રિય કેન્દ્ર સરકાર, એનટીએની શંકાસ્પદ તપાસ સમિતિ, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં જલેબીની જેમ જટલિ થતા કેસોથી છાત્રો અને તેમના પરિજનોમાં ગુસ્સો અને નિરાશા વધી રહી છે. લોક્સભા ચૂંટણીમાં એક તૃતિયાંશ વોટરોએ વોટ નથી નાખ્યા, કારણ કે યુવાઓમાં સિસ્ટમ પ્રત્યે નિરાશા હતી. સુપ્રીમ કોર્ટમાં નીટ સાથે જોડાયેલ કેસોમાં મેમાં જ ત્વરિત સુનાવણી થાત તો કદાચ આટલી બબાલ ન થાત. જો નીટની પવિત્રતા પ્રભાવિત થઈ છે, તો સમય પર ન્યાય આપીને જજોએ બંધારણના શપથ પૂરા કરવા જ જોઇએ. મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી અને યુનિવસટી કોલેજોમાં પ્રવેશ માટે પરીક્ષા આયોજિત કરનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સોશ્યલ મીડિયામાં નેશનલ ઠગાઇ એજન્સીના નામે ચીડવવામાં આવે છે.

ચૂંટણીમાં રોજગાર અને શિક્ષણના મુદ્દા સૌથી મહત્ત્વના હતા. નીટ પરીક્ષામાં થયેલ ગોબાચારી પર સમયસર કાર્યવાહી ન થઈ, કે એના પર વ્યાપમની જેમ લાંબી ખીચડી પાકી, તો યુવાઓનો બંધારણીય સંસ્થાઓ પર ભરોસો ઓર ડગી શકે છે. જે સેન્ટરોમાં નકલ, ગરબડ અને ખોટી રીતે ગ્રેસ માર્ક આપવાના આરોપ છે, એવા તમામ શંકાસ્પદ છાત્રો, તેમના વાલીઓ, કોચિંગ સંસ્થાઓ અને પરીક્ષા કેન્દ્રના ઇન્ચાર્જ લોકોનો લાઇવ નાર્કો ટેસ્ટ થવો જોઇએ. એનાથી મેરિટવાળા છાત્રોનો સિસ્ટમમાં ભરોસો વધવાની સાથે જ ભવિષ્યમાં ગરબડ કરવાના મનસૂબા વસ્ત થશે. પારદર્શી અને નિષ્પક્ષ રીતે ઠોસ કાર્યવાહી કરીને નવી સરકારે જનતાનું દિલ જીતવાની કોશિશ કરવી જોઇએ. નહિ તો તમિલનાડુ સરકારની વાત સાચી સાબિત થશે કે નીટની પરીક્ષા પ્રણાલી ગરીબ અને ગ્રામીણ વિરોધી છે. તક્ષશિલા અને નાલંદાના દિવસોથી ભારતમાં વિદ્યાર્થીઓનું બૌદ્ઘિક સ્તર અને તેમની ગુણવત્તા ઉચ્ચ કોટિની રહી છે. વિકસિત ભારત માટે આપણે જનસંખ્યાકીય લાભાંશની વાત કરીએ છીએ, પરંતુ બાબુશાહી અને ભ્રષ્ટાચારને કારણે યોગ્ય બાળકો અમેરિકા, યુરોપ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જઈને પૈસા અને નામ કમાવામાં વધારે ઇચ્છુક છે.

ઉદારીકરણ બાદ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રોમાં મોટા પાયે નફાની સંસ્કૃતિ વધી. મેડિકલનું શિક્ષણ સૌથી વધુ ખર્ચાળ છે. નીટ પરીક્ષા પાસ કરાવવાના નામે કોચિંગ અને સોલ્વર ગેંગની વધતી જાળ દેશનું મોટું કેન્સર છે. મહામારીઓ અને બીમારીઓનો સામનો કરવા માટે આપણે યોગ્ય, માનવીય અને બહેતરીન ડોક્ટરો જોઇએ. સંસદમાં એક તૃતિયાંશ સાંસદ અપરાધિક પૃષ્ઠભૂમિના છે, જેનાથી લોક્તંત્ર અને બંધારણ બંને ખતરામાં છે. આ પ્રકારે જો કોચિંગ માફિયાના ભ્રષ્ટ સહયોગથી ખોટા લોકો મેડિકલ પ્રોફેશનમાં આવી ગયા તો ભયાવહ સ્થિતિ પેદા થઈ શકે છે. રાજકીય હસ્તક્ષેપ, કોચિંગ માફિયા, ધનબળને કારણે પ્રભાવથી ગરબડને કારણે શિક્ષણની સાથે નોકરીઓની ગુણવત્તા ઘટવાથી શૈક્ષણિક અરાજક્તા વધી રહી છે. કોચિંગ માફિયા અને સોલ્વર ગેંગની ભ્રષ્ટ મિલીભગતથી અયોગ્ય અને ધનપશુઓના મેડિકલ પ્રોફેશનમાં આવવાથી આખી સામાજિક વ્યવસ્થાનું અસ્તિત્વ જ ખતરામાં પડી શકે છે. વ્યાપમ કૌભાંડથી સ્પષ્ટ છે કે પોલીસ અને સીબીઆઇની લાંબી તપાસ બાદ પીડિત લોકોનું ભવિષ્ય અંધારી સુરંગના હવાલે થઈ જાય છે. જનહિત અરજીના નામે પબ્લિસિટીનો કારોબાર વધવા છતાં પીડિતોને ન્યાય નહિ મળવો બેહદ ચિંતાજનક છે. ૨૦૨૨ની નીટ પરીક્ષા સાથે જોડાયેલ કેસોને અર્થહીન ગણાવતાં સુપ્રીમ કોર્ટના જજોએ અરજીને રદ્દ કરી દીધી છે. આ મામલો વ્યાપમની જેમ ભટકી ન જાય તેના માટે હાઇકોર્ટમાં ચાલી રહેલ તમામ કેસોને સુપ્રીમ કોર્ટે પોતાની પાસે હસ્તાંતરિત કરાવવા જોઇએ. અપરાધ અને ગરબડના તમામ પાસાં અદાલત સામે આવી શકે, તેના માટે એમિક્સ ક્યૂરી (ન્યાયમિત્ર વકીલ)ની નિયુક્તિ કરવાની જરૂર છે.