હજી મારે ઈન્ડસ્ટ્રીમાં લાંબી મજલ કાપવાની છે : અભિનેત્રી તૃપ્તિ ડિમરી

બોલિવૂડમાં તૃપ્તિ ડિમરીની નોંધ ત્યારે લેવામાં આવી હતી જ્યારે તેમણે ફિલ્મ એનિમલમાં જબરજસ્ત ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી સિનેલવર્સનાં દિલમાં તેમણે રાતોરાત જગ્યા બનાવી લીધી હતી. નોંધનીય છે કે અગાઉ તેમણે જેટલી પણ ફિલ્મ કરી હતી તેમાં તેમની નોંધ જવલ્લે જ લેવામાં આવી હતી. જ્યારે ફિલ્મ એનિમલ તેમના માટે જેકપોટ સાબિત થઇ હતી.

આ ફિલ્મે બોક્સઓફિસ બ્રેક કરી હતી. આ ફિલ્મથી ફિલ્મમેર્ક્સ તૃપ્તિ ડિમરી તરફ વિશેષ આકર્ષાયા છે અને પોતાની ફિલ્મ કે અન્ય પ્રોજેક્ટમાં લેવા માટે હંમેશાં અધીરા જોવા મળ્યા છે.

તૃપ્તિ ડિમરીએ વર્ષ ૨૦૧૭માં કોમેડી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મનું નામ લ્લપોસ્ટર બોય્ઝ’ હતું. આ ફિલ્મે બોક્સઓફિસ ધોબીપછાડ ખાધી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં તેમની ફિલ્મ લ્લલેલા મજનૂ’ આવી હતી તે પણ બોક્સઓફિસ પર કમાલ ન કરી શકી. જોકે, આ ફિલ્મનું ગીત સુપરહિટ સાબિત થયું હતું. આ બે ફિલ્મો બાદ તેમની બે-ત્રણ ફિલ્મો આવી હતી જેનાથી તેમની નોંધ ઈન્ડસ્ટ્રીના લોકો લેવા લાગ્યા તેમજ અન્ય સિનેલવર્સ પણ તેમના ટેલેન્ટ અને લુકઆઉટ પર આકર્ષાયા હતા. અન્વિતા દત્ત નિર્દેશિત બુલબુલ (૨૦૨૦)માં તેમના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. જોકે, તેમને જોઈએ તેવી પ્રસિદ્ધિ આ ફિલ્મ દ્વારા પણ ન મળી. જ્યારે કલા(૨૦૨૨) આવી ત્યારે ફરીથી તેમના અભિનયનાં વખાણ થયાં પરંતુ પ્રસિદ્ધિ તો ન જ મળી, પરંતુ એનિમલ ફિલ્મના બોલ્ડ સીન અને તેમની ટુકડો એક્ટિંગથી માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ અન્ય સિનેલવર્સ પણ આફરીન પોકારી ઊઠ્યા હતા. તેમના બોલ્ડ સીનને લઈને રાતોરાત તેઓ સોશિયલ મીડિયા સ્ટાર બની ગયાં હતાં અને મોટાભાગના સોશિયલ મીડિયા પેજ પર તેમની તસવીરો અને વીડિયો વાઇરલ થવાં લાગ્યાં હતાં.

નેશનલ ક્રશ કહેવાતી તૃપ્તિ ડિમરીએ માત્ર ત્રીસ વર્ષની વયે જ મુંબઈમાં પોતાનો આલીશાન બંગલો ખરીદીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચકચાર મચાવી દીધી છે. તેમણે આ બંગલો બાંદ્રા વેસ્ટ એરિયાના કાર્ટર રોડ પર ખરીદ્યો છે જેની કિંમત ૧૪ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જ્યારે અન્ય ડોક્યુમેન્ટ્સના જણાવ્યા પ્રમાણે તેમણે આ પ્રોપર્ટી માટે ૭૦ લાખ સ્ટેમ્પ ડ્યૂટી અને ૩૦ હજાર રૂપિયા ભરીને રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે.