(એ.આર.એલ),ચેન્નાઇ,તા.૧૪ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં પ્રખ્યાત તમિલ અભિનેતા પ્રદીપ કે. વિજયનનું નિધન થયું છે. માહિતી મુજબ, પ્રદીપ કે વિજયન ચેન્નાઈમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અભિનેતાના આકસ્મિક નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રદીપ કે વિજયનના નિધનથી દરેક લોકો દુખી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
અભિનેતા પ્રદીપ કે વિજયનને શ્ર્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવતા હતા. જોકે તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજુ સુધી માહિતી મળી નથી. તે જ સમયે, હવે પ્રદીપ તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. અભિનેતા પ્રદીપ કે વિજયન ‘થેગીડી’માં ભજવેલા પાત્ર માટે ખૂબ જ લોકપ્રિય હતા.
આ સિવાય તે ‘ટેડી’, ‘ઈરુમ્બુ થિરાઈ’ અને ‘રુદ્રન’ જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકા માટે પણ જાણીતા છે. ૪૫ વર્ષીય અભિનેતાને હાર્ટ એટેક આવ્યો છે કે અન્ય કારણથી તેમનુ મોત નિપજ્યું છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અહેવાલ મુજબ, જ્યારે મિત્રોએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અભિનેતાએ જવાબ આપ્યો ન હતો. આ પછી પ્રદીપના મિત્રોએ પોલીસને જાણ કરી અને પોલીસ અભિનેતાના ઘરે ગઈ. જ્યારે પોલીસે તેના ઘરનો દરવાજો તોડ્યો તો પ્રદીપ તેના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રદીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રોયાપેટ્ટાહ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસે આ સંદર્ભે તપાસ શરૂ કરી છે.