લોક્સભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ફરી એકવાર મોદી સરકાર સત્તામાં આવી ગઇ છે. ત્યારે આ વખતે ગુજરાતમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા પરુશોત્તમ રૂપાલા માટે સૌથી મોટો ઝટકો એ રહ્યો કે જંગી સરસાઈથી જીતવા છતાં તેમને મોદી કેબિનેટમાં સ્થાન ન મળ્યું અને તેમનું પત્તું કપાઈ ગયું. જોકે હવે આ મામલે પહેલીવાર તેમણે પત્રકારોને જવાબ આપ્યો છે.
ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપ માટે લોક્સભા ચૂંટણીમાં માથાનો દુ:ખાવો બની ગયેલા પરશોત્તમ રૂપાલાને જ્યારે મંત્રીપદ ન મળવા વિશે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આમાં એવું કંઇ છે જ નહીં. મંત્રીપદ આપવું કે ન આપવું તેના કોઈ કારણો ન હોય. પક્ષ અને વડાપ્રધાને જે નિર્ણય લીધો હશે તે યોગ્ય જ હશે હું તેનું સ્વાગત કરું છું અને તે નિર્ણય મને સ્વીકાર્ય છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી સામે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય આંદોલનના પડકાર છતાં ૫ લાખ જેટલાં વોટ માજનથી જીત મેળવી હતી. તેઓ હવે સાંસદ બનતા જ ફરી એક્શનમાં દેખાયા અને રાજકોટની મુલાકાત લઇ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.