ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને ગરમી પડી રહી છે. ત્યારે ગઈકાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ડાંગના આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવ્યા છે તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ’રાજ્યમાં આગામી ૧૭મીથી ૨૨મી જૂનની વચ્ચે ચોમાસું સક્રિય થશે. આ દરમિયાન તોફાની પવન સામે ધોધમાર વરસાદ પડી શકે છે.’
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે. પરંતુ ૧૭મીથી ૨૨મી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે. જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા છે.’
હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મયમ વરસાદ થઇ શકે છે. ૧૫મી જૂનના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડ જ્યારે ૧૬મી જૂનના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે. ૧૭ અને ૧૮ જૂનના રોજ ભાવનગર, નવસારી અને વલસાડમાં જ્યારે ૧૯મી અને ૨૦મી જૂનના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. તે મુજબ આજે ડાંગના આહવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગલકુંડ વિસ્તારમાં તો આભ ફાટ્યું છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. ડાંગ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે. સાપુતારા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો છે. ડાંગમાં વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગુરુવારે (૧૩મી જૂન) સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જો કે, સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી.