બગોદરા નજીકથી ૬૬૪૦ બોટલ દારૂ ઝડપાયો

અમદાવાદ,

વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ જિલ્લામાં એલસીબી સહિતની શાખા દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે એલસીબીને વિદેશી દારુનો જથ્થો ભરેલી ટ્રક બગોદરાથી રાજકોટ તરફ જનાર છે. તેવી બાતમીના આધારે પોલીસે બગોદરા ટોલટેક્સ નજીક વોચ રાખી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવીને તપાસ હાથ ધરી હતી.

ટ્રકમાં તપાસ કરતા તેમાં એક ખાસ પ્રકારનું લોખંડનું ચોર ખાનુ બનાવેલું જોવા મળ્યું હતુ. તેની સાથે પોલીસને ચકમો આપવા માટે ખાનાની ઉપર સેન્ટિંગમાં વપરાતા બ્લોક ગોઠવી દીધા હતા. એલસીબી ટીમે બ્લોકનો જથ્થો હટાવીને ગ્રાઈન્ડર મશીનથી ચોરખાનાને કાપીને તપાસ કરતા વિદેશી દારૂનો મસમોટો જથ્થો જોવા મળ્યો હતો.

પોલીસે ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૬૬૪૦ કબજે કરી હતી. તેમજ ટ્રકના ચાલક હરચંદ મેરારામ (રહે. રાજસ્થાન)ની અટકાયત કરી હતી. એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો. ટ્રક તેમજ મોબાઈલ મળીને કુલ રૂ. ૩૮.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જિલ્લા એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો. તે દિશામાં વધુ તપાસ આદરી છે.