- પ્રાકૃતિક પદ્ધતિથી માવજત થયેલા બિયારણોની વૃદ્ધિ જલ્દી અને સારી રીતે થાય છે.
- “રાસાયણિક ખરીદવું નહીં ને પ્રાકૃતિક વેચવું નહીં”પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ ભાભોર
દાહોદ, ચોમાસું નજીક છે ત્યારે જિલ્લામાં આગામી સમયમાં ખેડૂતો દ્વારા ખરીફ પાકનું વાવેતર કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ માટે અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે મહત્તમ ખેડૂતો રસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તે પર ભાર મુકવામાં આવી રહ્યો છે.
રાસાયણિક ખેતી ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન કરે છે જયારે પ્રાકૃતિક ખેતી ગ્લોબલ વોર્મિંગને સમાપ્ત કરે છે, તેમજ પર્યાવરણને પણ અનુકુળ બનાવે છે. આધુનિક કૃષિને પ્રોત્સાહન મળે અને ખેડૂતો અવનવી ટેકનોલોજીથી વાકેફ થઈ શકે તે માટે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી – આત્મા પ્રોજેક્ટ કાર્યરત છે.
દાહોદ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડો. ડી. એ. પટેલએ દાહોદના ખેડૂતોને રસાયણિક કૃષિના બદલે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતામાં ઉતરોત્તર થાય છે. આ ખેતીના પરિણામો સંતોષકારક મળી રહ્યા છે. ટૂંક સમયમાં વરસાદ થતા ચોતરફ ખેડૂતો વાવેતર શરૂ કરી દેશે. અમુક ખેડૂતો હાલ આગોતરા વાવેતર પણ કરી રહ્યા છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ દાહોદના છરછોડા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચંદુભાઈ ભાભોરની. સરકાર તરફથી મળેલ સહાય થકી તેમની પાસે આજે પોતાનો કૂવો અને ટ્રેક્ટર પણ છે. જેથી તેમને ખેતી કરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી પડતી નથી. તેઓનો પરિવાર ફક્ત ખેતી પર જ નિર્ભર છે. છેલ્લા 5 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી વડે આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ અને સહાયથી દર વર્ષે જીવામૃત અને બીજામૃતના ઉપયોગ થકી સંતોષકારક અને સારુ ઉત્પાદન મેળવી નફો કમાઈ રહ્યા છે. તેઓ પાકમાં મિશ્ર પાક લે છે. જેમાં ઘઉં, ચણા, બાજરી, રીંગણ, ટામેટા, ગુવાર, ભીંડા, ગલકા, દૂધી, ગલગોટા તેમજ પપૈયા જેવા સીઝનલ શાકભાજી તેમજ અનાજનો પાક કરી ફાયદો મેળવી રહ્યા છે.
“રાસાયણિક ખરીદવું નહીં ને પ્રાકૃતિક વેચવું નહીં” એમ કહેનાર પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ ભાભોર વિગતે જણાવતાં કહે છે કે, કોઈ પણ ઉત્પાદનના સારા પરિણામો મેળવવા માટે દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. પ્રાકૃતિક પદ્ધતિથી માવજત થયેલા બિયારણોની વૃદ્ધિ જલ્દી અને સારી રીતે થાય છે. રાસાયણિક ખાતર કે એમાંથી પાકેલ અનાજ – શાકભાજી – ફળો ખરીદીશું તો આપણે હાથે કરીને ઝેર પીવા બરાબર છે જયારે પ્રાકૃતિક વેચી દઈશું તો આપણા પરિવાર માટે એવુ ચોખ્ખું અનાજ – પાણી ને શાકભાજી – ફળો ક્યાંથી લાવશું..! તેના કરતાં આપણે જ ઉત્પાદન કરીએ ને આપણે જ ખાઈએ તો પરિવારનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે. મૂળ મીઠાશ ખાતરમાં નથી મળતી જે પ્રાકૃતિક પદ્ધતિમાં છે.એ માટે દરેક ખેડૂત આ ખેતી પદ્ધતિ અપનાવે તો પછી ભવિષ્યની ચિંતા જ શી રહી..! એમ જણાવતાં તેઓએ પોતાને મળેલ સહાય અને સપોર્ટ માટે આત્મા પ્રોજેક્ટ અને સરકાર સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.