કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ચંડીગઢમાં આગામી ૪-૫ દિવસ હીટવેવ ચાલુ રહેવાની આગાહી કરી છે. જોકે, ઉત્તર પૂર્વના રાજ્યો અને પશ્ર્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ઇન્ડિયા મીટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી)એ જણાવ્યું હતું કે, ’આગામી ૪-૫ દિવસ ઉત્તર ભારતના વિસ્તારોમાં તીવ્ર હીટવેવની શક્યતા છે.
જ્યારે પશ્ચિમ બંગાળના હિમાલય નજીકના વિસ્તારો, સિક્કિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં ૪-૫ દિવસ ભારે વરસાદ પડી શકે.’ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિલ્હી અને એનસીઆરને ગરમીમાંથી રાહત મળવાની આશા નથી. કારણ કે તાપમાન ગયા સપ્તાહ જેટલું જ રહેશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, ઝારખંડ, હરિયાણા અને રાજસ્થાનમાં તાપમાન ૪૫-૪૭ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં નોંધાયું હતું. હીટવેવની સ્થિતિને પગલે કાનપુરમાં પારો ૪૭.૫ ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો હતો. ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ૧૪થી ૧૭ જૂનના ગાળામાં તીવ્ર હીટવેવ રહેશે. ગંગા કિનારાના પશ્ચિમ બંગાળના ભાગો, બિહાર અને ઝારખંડમાં પણ ૧૩થી ૧૫ જૂનના ગાળામાં હીટવેવની એલર્ટ જારી કરાઈ છે. ૧૪થી ૧૭ જૂનના ગાળામાં ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થશે. જેમાં દિલ્હી, હરિયાણા, ચંડીગઢ સામેલ છે. ૧૬ અને ૧૭ જૂને આ વિસ્તારોના અમુક ભાગોમાં અતિશય ગરમી પડી શકે.
દરમિયાન સિક્કિમમાં ભારે વરસાદને કારણે ભારે ખુવારી થઇ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતા લીધે છ લોકોના મોત થયા છે. આશરે ૧,૫૦૦ ટૂરિસ્ટ ફસાયા હોવાના પણ અહેવાલ છે. પર્વતીય રાજ્યમાં ભારે વરસાદ પછી જિલ્લાના પાક્ષેપ અને અમ્બિથાંગ વિસ્તારમાંથી સાત લોકો લાપતા થયા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભૂસ્ખલનને કારણે એક ઘર તણાઈ ગયું અને સાત અન્ય ઘર આંશિક પણે ક્ષતિગ્રસ્ત થયા છે. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ દરમિયાન સતત વરસાદને કારણે મંગન-ગંગટોક અને મંગન-સિંધિક માર્ગ પર અવરોધ પેદા થયો છે. જેના કારણે વાહનની અવરજવર બંધ થઈ ગઈ છે. આ માર્ગ પરથી પથ્થરોને હટાવવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે જણાવ્યું કે ઉત્તર સિક્કિમમાં મોબાઇલ નેટવર્ક કામ કરતું ન હોવાથી કોમ્યુનિકેશન સંબંધિત સમસ્યાઓ પેદા થઈ છે અને સેલ ફોન કનેક્ટિવિટી ચાલુ કરવા માટે પ્રયાસ ચાલુ છે.