લઘુમતી મતોના કારણે ઉદ્ધવની પાર્ટી જીતી,મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી ) ઉમેદવારોએ લઘુમતી, બિન-મરાઠી અને બિન-હિન્દી ભાષી લોકોના મતોના આધારે મુંબઈમાં ત્રણ લોક્સભા બેઠકો જીતી છે. તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીઓમાં, શિવસેનાએ મહાનગરમાં છમાંથી ત્રણ બેઠકો જીતી હતી જ્યારે ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને કોંગ્રેસે એક-એક મતવિસ્તારમાં વિજય મેળવ્યો હતો.

ફડણવીસે તેમના ભાષણમાં કહ્યું હતું કે વિપક્ષની જીત મરાઠી ભાષીઓ અથવા સામાન્ય મુંબઈકરોના મતો અથવા ઉત્તર ભારતીય વસ્તીના મતને કારણે નથી જે પેઢીઓથી શહેરમાં રહે છે. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે વિપક્ષ એવા લોકોના મતોથી જીતી ગયો જેમના ખાતર શિવસેના (યુબીટી) એ વધુ લોકપ્રિય ’હિંદુ હૃદય સમ્રાટ’ને બદલે બાળ ઠાકરે માટે ’જનાબ’નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

ફડણવીસે દાવો કર્યો હતો કે છેલ્લા છ મહિનામાં ઉદ્ધવ ઠાકરેએ લઘુમતીઓનું સમર્થન મેળવવા માટે ’મારા હિંદુ ભાઈઓ અને બહેનો’થી ભાષણ શરૂ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ તેમણે સ્વીકાર્યું કે લોક્સભા ચૂંટણી પ્રચાર દરમિયાન, વિપક્ષના ’ખોટા નિવેદન’ કે ભાજપ બંધારણમાં ફેરફાર કરવા માંગે છે અને અનામતનો અંત લાવવા માંગે છે તેનાથી શાસક પક્ષને ભારે નુક્સાન થયું છે.મહારાષ્ટ્રમાં ભાજપે ૪૮માંથી ૨૮ બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ માત્ર નવ જ જીતી શકી હતી, જ્યારે ૨૦૧૯માં તેણે ૨૩ બેઠકો જીતી હતી.