એન.ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લઈને એક નવા દોરની શરૂઆત કરી, જ્યારે ઓડિશામાં મોહન ચરણ માંઝીએ મુખ્યમંત્રી પદે બેસીને એક નવો ઇતિહાસ લખ્યો છે. આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીના નેતૃત્વમાં ભાજપની સહયોગી ભૂમિકાથી ગઠબંધન સરકાર બની છે, તો ઓડિશામાં ભાજપે એકલા દમ પર સરકાર બનાવી છે. ચંદ્રબાબુ નાયડુ ભારતમાં આઇટીના નામે ઓળખ ધરાવતા નેતા છે. મુખ્યમંત્રી રૂપે જ્યારે તેમને મોકો મળ્યો, તેમણે હૈદરાબાદને આઇટી હબ રૂપે ફેરવી નાખ્યું, હવે જ્યારે તેઓ ફરી મુખ્યમંત્રી બન્યા છે તો આઇટી ક્ષેત્રમાં ક્રાંતિ માટે તેમણે કામ કરવું જોઇએ. ભારતમાં, તે પણ આંધ્રપ્રદેશ જેવા રાજ્યમાં આઇટી ક્ષેત્રે વધુ રોકાણ, નવાચાર અને સરકારી સ્તર પર વધુ સગવડની જરૂર છે. ચંદ્રબાબુએ એક નવું આંધ્ર બનાવવા માટે કામ કરવું જોઇએ. અમરાવતીમાં રાજધાની બનાવવાની યોજના પર તેઓ બેશક કામ કરે, પરંતુ તેમણે રોજગાર અને પ્રદેશના બુનિયાદી વિકાસ માટે વધુ વિચારવું જોઇએ.
આંધ્ર પ્રદેશના નવા મંત્રીમંડળમાં સંભાવનાને અનુરૂપ જ ટીડીપીના ૨૧ ધારાસભ્યો, જનસેનાના ત્રણ ધારાસભ્યો અને ભાજપના એક ધારાસભ્યને શપથ લેવડાવ્યા છે. ખાસ એ પણ છે કે આંધ્રમાં આ વખતે પહેલી વાર ચૂંટણી જીતનારા આઠ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. પહેલી વાર ચૂંટણી જીતેલા લોકપ્રિય અભિનેતા પવન કલ્યાણે પણ સહર્ષ મંત્રી પદ સ્વીકાર કર્યું છે, જેનાથી કલાના ક્ષેત્રે હલચલ છે. જોકે ચંદ્રબાબુ નાયડુ પણ મહાન અભિનેતા એનટી રામારાવનો વારસો સંભાળી રહ્યા છે. ચંદ્રબાબુએ સોગંદ ખાધા છે કે તેઓ રાજ્યમાં માત્ર એક રાજધાની બનાવશે, તો તેમણે યાન રાખવું પડશે કે ભ્રષ્ટાચારના દાગ લાગે. નવી રાજધાનીનું નિર્માણ એક મોટી યોજના છે, તે ઇમાનદાર હાથે પૂરી થવી જોઇએ. ચંદ્રબાબુ માટે એક મોટો પડકાર પોતે કરેલા વાયદાને પૂરા કરવાનો છે. મોટાભાગના વિશ્લેષકો એ જ માને છે કે પાછલી વખતે પણ તેઓ પોતાના વાયદા નહિ નિભાવી શકવાને કારણે જ હાર્યા હતા. અસલમાં દક્ષિણમાં જાતજાતની મફત યોજનાઓ જાહેર થાય છે, જેને પૂરી કરવી વ્યાવહારિક રૂપે આસાન નથી હોતું. જનતાએ ચંદ્રબાબુની રાજનીતિ પર ભરોસો વ્યક્ત કર્યો છે અને આ ભરોસાને યથાવત રાખવો નવા મુખ્યમંત્રીની જવાબદારી છે. આ તરફ, ઓડિશાના પણ કાયાકલ્પનો મોકો ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. નવીન પટનાયક સમયે આ રાજ્ય લગભગ અટકી ગયું હતું, દરેક પ્રકારનાં સંસાધનો છતાં ઓડિશા એટલું આગળ ન વધી શક્યું, જેટલું તેના કેટલાક અન્ય પડોશી રાજ્યો વધી ગયા. છત્તીસગઢ તો બહુ આગળ વધી ગયું, બંગાળ પણ ઠીક સ્થિતિમાં છે, બિહારની જીડીપી પણ તેજીથી વધે છે, પરંતુ ઓડિશાના હાલ ખરાબ હતા, તો લોકોએ લગભગ અઢી દાયકા બાદ નવીન પટનાયકને તડકે મૂકી દીધા. હવે કમાન ભાજપના હાથમાં છે, તો તેનો સીધો અર્થ છે કે ઓડિશાના લોકો તેજ પ્રગતિ ઇચ્છે છે. ઓડિશાના મુક્યમંત્રી મોહન ચરણ માંઝી માટે પડકારો ઓછા નથી. જો કેન્દ્ર સરકારનો પૂરતો સાથ મળ્યો તો ઓડિશા ખરેખર બહુ તેજીથી દેશની મુક્યધારામાં આવી શકે છે. ભાજપમાં ઓડિશાને લઈને ઉત્સવનો માહોલ છે, પાર્ટીમાં જગન્નાથ શબ્દ હાલના દિવસોમાં બહુ પ્રિય થઈ ગયો છે. પાર્ટીના નેતા જો માને છે કે તેમને ભગવાન જગન્નાથની ભૂમિની સેવાનો અવસર મળશે તો આ અવસર હાથમાંથી જવો ન જોઇએ.