
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યસભા પેટાચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર હશે. લોક્સભા ચૂંટણી ૨૦૨૪માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુનેત્રાને તેમની ભાભી સુપ્રિયા સુલેથી હારનો સામનો કરવો પડ્યો હતો. લોક્સભા ચૂંટણીમાં તેમની હાર બાદ અજિત હવે તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. પ્રફુલ પટેલના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં રાજ્યસભા સાંસદની બેઠક ખાલી પડી છે. પ્રફુલ્લ પટેલનો ચાર વર્ષનો કાર્યકાળ બાકી હતો, પરંતુ તેમણે રાજીનામું આપ્યું, કારણ કે તેઓ બીજી વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને હવે તેઓ ૨૦૩૦ સુધી રાજ્યસભાના સાંસદ રહેશે.
રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશન પછી સુનેત્રા પવારે કહ્યું કે અમારે ૧૮મી સુધી રાહ જોવી પડશે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અયક્ષ અજિત પવાર અને મહાયુતિ સહિતના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમણે પાર્ટી દ્વારા તેમના પર મૂકેલા વિશ્ર્વાસ માટે કામ કરવું પડશે. છગન ભુજબળ અંગે તેમણે કહ્યું કે, કોઈ નારાજ નથી. સૌએ સાથે મળીને નિર્ણય લીધો અને આજે ખુદ છગન ભુજબળ પણ હાજર રહ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અજિત પવાર આ માટે તૈયાર નથી તો તેમણે કહ્યું કે આ જનતાની માંગ છે. પવારે પોતે કહ્યું કે તમારે જ રાજ્યસભામાં જવું જોઈએ.
પ્રફુલ પટેલ રાષ્ટ્રવાદી કોંગ્રેસના મોટા નેતા છે અને શરદ પવારના નજીકના ગણાતા હતા. જો કે, એનસીપી બે જૂથોમાં વિભાજિત થયા પછી, તેઓ અજિત પવાર સાથે જોડાયા. તેઓ જુલાઈ ૨૦૨૨માં એનસીપીના સમર્થનથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. આ સમયે પાર્ટી એકજૂટ હતી. આવી સ્થિતિમાં, પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગયા પછી, તેમને ફરીથી રાજ્યસભા સાંસદના ઉમેદવાર બનાવવામાં આવ્યા અને અજીતના જૂથના ધારાસભ્યોના સમર્થનથી, તેઓ ફરી એકવાર રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. આવી સ્થિતિમાં તેમણે પોતાના જૂના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના જૂના કાર્યકાળમાં ચાર વર્ષ બાકી હતા. તેઓ ૨૦૨૮ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હોત. જો કે હવે તેઓ ૨૦૩૦ સુધી આ પદ પર રહેશે. આ અંગેની માહિતી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી હતી.
સુનેત્રા પવારને રાજ્યસભાની ટિકિટ આપ્યા બાદ અજિત વિધાનસભા ચૂંટણી લડી શકે છે. તે બારામતીથી પોતાનો દાવો રજૂ કરી શકે છે. તે જ સમયે, શરદ પવારના જૂથની એનસીપી આ બેઠક પરથી યોગેન્દ્ર પવારને ટિકિટ આપી શકે છે.