આગામી ૨૦૨૪ ટી-૨૦ વર્લ્ડ કપનો રોડમેપ હવે શરૂ થઈ ગયો છે : હાર્દિક પટેલ

  • આપણે બધા જ જાણીએ છીએ કે વર્લ્ડ કપના પ્રદર્શનથી નિરાશા છે, પરંતુ અમે પ્રોફેશનલ છીએ અને તેમાંથી બહાર આવવુ પડશે.

મુંબઇ,

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સીરિઝ શરૂ થવાની છે. બંને ટીમોએ સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, હવે તે બંને ટીમો એકબીજા સામે રમતી દેખાશે. પહેલા ત્રણ મેચોની ટી ૨૦ સીરિઝ રમાશે, ત્યારબાદ ત્રણ વન-ડે મેચ રમાશે. આ સીરિઝમાં ઘણા બદલાવ પણ જોવા મળશે, કારણ કે ઘણા સીનિયર ખેલાડીઓને રેસ્ટ આપવામાં આવ્યો છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીથી લઈને કેએલ રાહુલ પણ તેમા સામેલ નથી. આથી, ટી ૨૦ ટીમની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યાને આપવામાં આવી છે, તેમજ વન-ડે સીરિઝની જવાબદારી શિખર ધવનને આપવામાં આવી છે. હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાના ભવિષ્યના કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. દરમિયાન સીરિઝ શરૂ થતા પહેલા હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી ૨૦ સીરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવેલા હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ૨૦૨૪ ટી ૨૦ વર્લ્ડ કપનો રોડમેપ હવે શરૂ થઈ ગયો છે અને ઘણા ખેલાડીઓને ટીમમાં જગ્યા બનાવવાનો દાવો પાક્કો કરવા માટે તક આપવામાં આવશે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ટીમે વર્લ્ડ કપની નિષ્ફળતામાંથી બહાર આવવુ પડશે. તેણે કહ્યું કે, આપણે બધા જ જાણીએ છીએ કે વર્લ્ડ કપના પ્રદર્શનથી નિરાશા છે, પરંતુ અમે પ્રોફેશનલ છીએ અને તેમાંથી બહાર આવવુ પડશે. અમે જે રીતે સફળતાને પાછળ છોડી દઈએ છીએ, એ જ રીતે આ નિષ્ફળતાને પણ ભૂલીને આગળની તરફ જોવુ પડશે.

પોતાની ભૂલોમાંથી શીખવુ પડશે. આવનારો ટી 20 વર્લ્ડ કપ ૨૦૨૪માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. એવી સંભાવનાઓ છે કે, આવનારા બે વર્ષમાં ભારતીય ટીમમાં ઘણા બદલાવ થશે અને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ઘણા સીનિયર ખેલાડીઓની રવાનગી થશે. હાદક પંડ્યાએ કહ્યું કે, આવનારા ટી 20વર્લ્ડ કપમાં હજુ બે વર્ષ છે. અમારી પાસે નવી પ્રતિભાઓ શોધવા માટે સમય છે. ઘણું ક્રિકેટ રમવામાં આવશે અને ઘણા ખેલાડીઓને તક મળશે.

તેણે કહ્યું કે, રોડમેપ અત્યારથી જ શરૂ થાય છે પરંતુ, હાલ ઘણી ઉતાવળ છે. અમારી પાસે ઘણો સમય છે તો અમે આરામથી તેના પર વિચાર કરીશું. હાલ, એ સુનિશ્ર્ચિત કરવાનું છે કે, ખેલાડી અહીં રમવાનો આનંદ લે. ભવિષ્ય વિશે બાદમાં વાત કરીશું. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, સીનિયર ખેલાડી અહીં નથી પરંતુ, જેમને પસંદ કરવામાં આવ્યા છે, તેઓ પણ દોઢ-બે વર્ષથી રમી રહ્યા છે. તેમને ઘણી તકો આપવામાં આવી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેઓ પોતાની ઉપયોગિતા સાબિત કરી ચુક્યા છે. તેમને માટે હું ખૂબ જ ખુશ છું. નવા ખેલાડી, નવી ઊર્જા, નવો રોમાંચ.

તેણે કહ્યું કે, ઘણા બધા માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, અહીં સારું રમવા પર તેઓ પસંદગીનો દાવો વધુ મજબૂત કરી શકશે. ભારતની સેમિફાઇનલમાં હાર બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પોતાની કોલમમાં લખ્યું હતું કે, ભારતે ૨૦૧૧માં વન-ડે વર્લ્ડ કપ જીત્યા બાદ કંઈ મેળવ્યું નથી અને સીમિત ઓવરોના ઈતિહાસમાં અપેક્ષાને અનુરૂપ પ્રદર્શન કરવામાં હંમેશાં નિષ્ફળ રહી છે. આ અંગે પૂછવા પર પંડ્યાએ કહ્યું, મને નથી લાગતું કે અમારે કોઈને પણ કંઈપણ સાબિત કરવાની જરૂર છે. ખરાબ રમવા પર લોકો ટીકા કરશે જ જેનું અમે સન્માન કરીએ છીએ. ગેમમાં દરેક ખેલાડી સારું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરે છે. અમારે કોઈને પણ કંઈપણ સાબિત કરવાની જરૂર નથી.