સંજેલી તાલુકાના ચાકીસણા ગામે લોનના હપ્તા બાબતે પિતા અને દાદી પર લાકડા વડે હુમલો કરી મારી નાંખવાની ધમકી આપનાર પુત્રને સંજેલી કોર્ટે અઢી વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.
સંજેલી તાલુકાના ચાકીસણા ગામના બાદર વકનભાઈ ડામોર ત્રણ વર્ષ અગાઉ ધરેથી ઢોરોને ધાસ આપવા માટે જતા હતા. તે દરમિયાન મોટો પુત્ર રાકેશ ધરે આવી અને પિતાને કહેલ કે તુમ કેમ લોનના હપ્તા ભરતો નથી તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ તને મારી નાંખવાનો છે. તેમ કહી આંગણામાં પડેલ લાકડું લઈ અને જમીન પર પાડી દઈ ગડદાપાટુનો માર મારવા લાગેલ અને ગળાના ભાગે લાકડું મુકી અને ગળુ દબાવી દીધુ હતુ. વકનભાઈએ બુમાબુમ કરતા તેમની માતા પુનડીબેન દોડી આવ્યા હતા. અને બુમાબુમ કરી આજુબાજુના લોકોને બોલાવ્યા હતા. ત્યારે રાકેશે તુ કેમ બુમો પાડે છે તેમ કહી દાદી પુનડીબેનને મારી નાંખવાની ધમકી આપી હાથમાથી લાકડી થાપાના ભાગે મારી જમીન પર પાડી દઈ ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી. જે બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને વધુ મારથી માતા-પુત્રને બચાવ્યા હતા. બનાવ સંદર્ભે સંજેલી પોલીસ મથકે રાકેશ વિરુદ્ધ પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેનો કેસ સંજેલી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એ.બી.તડવીની ધારદાર દલીલો અને મોૈખિક પુરાવાઓના આધારે જજ આર.ટી.રબારીએ આરોપી રાકેશને વિવિધ ગુનાઓમાં તકસીરવાર ઠેરવી અઢી વર્ષની સજા અને રૂ.એક હજારનો દંડ ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી ગયો હતો.