દિવડાકોલોની,
આગામી વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાત રાજયને અડીને આવેલા રાજયના સરહદી વિસ્તારમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા અને દારૂની હેરાફેરી બંધ કરવા ગુજરાતની બોર્ડર વિસ્તારમાં ચેકપોસ્ટો ઉભી કરી છે ત્યારે મહિસાગર જિલ્લાને જોડતા રાજસ્થાન સરહદી વિસ્તાર ઉપરના મુખ્ય રોજીંદા અવર જવરના માર્ગો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બાકોર, ભમરી(સીમલીયા) ચેકપોસ્ટ ઉપર અલગ અલગ ટીમો બનાવી સઘન ચેકિંંગ હાથ ધરવામાં આવ્યુ છે. પરંતુ મહિસાગર પોલીસ એ રસ્તાઓ ભુલી ગઈ છે જે ચુંટણી સમયે અથવા તો પોલીસ વાહન ચેકિંગના ડ્રાઈવ સમયે બુટલેગરો ઉપયોગ કરતા હોય છે. રાજસ્થાનમાંથી મહિસાગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે સોૈથી સરળ અને અનુકુળ માર્ગ મહિસાગર નદીનો છે. જે રાજસ્થાન આનંદપુરીથી સીધો હોડી મારફતે કડાણા અને સંતરામપુર તાલુકામાં સરળતાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી શકાય છે. ત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં ચેકિંગ માટે કોઈ સુવિધા ઉભી કરવી જોઈએ. કડાણા તાલુકાના રાજસ્થાન સરહદે આવેલ પુનાવાડા ખાતે પોલીસ દ્વારા જે ચેકપોસ્ટ ગોઠવી છે ત્યાંથી 200 મીટરના અંતર ઉપર આવેલ મોટી રાઠ તરફ જતા રસ્તા ઉપર થઈ ગોધરા તેમજ જાંબુનાળા જયારે ડીટવાસ ભાદરનદી ઉપરથી વાહન મારફતે ઝાલાસાગ રહી ખાનપુર, મલેકપુર વાળા રસ્તે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સુધી આરામથી ગેરકાયદે પ્રવૃત્તિ અથવા અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ ગુજરાતમાં આસાનીથી ધુસાડી શકાય તેમ છે. ત્યારે આ રસ્તાઓ પોલીસ સીલ કરવાનુ ભુલી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે કે પછી માત્ર ચુંટણી ટાંણે મુખ્ય માર્ગો ઉપર ચેકપોસ્ટ ઉભી કરી વાહન ચેકિંગના નામે માત્ર દેખાવ કરવામાં આવી રહ્યો છે.