વિશ્વની સરેરાશ શાંતિમાં થયો ઘટાડો, યુદ્ધોના કારણે અરાજક્તાના માહોલમાં વધારો

  • ભારતમાં છેલ્લા એક દાયકામાં ૧૦માંથી ૯ વર્ષોમાં શાંતિમાં ઘટાડો થયો

વિશ્વની સરેરાશ શાંતિમાં ઘટાડો થયો છે. ૨૦૨૪ના ગ્લોબલ પીસ ઈન્ડેક્સ અનુસાર, ચાલી રહેલા યુદ્ધોને કારણે સમગ્ર વિશ્વ માં અરાજક્તા છે અને વિશ્વની સરેરાશ શાંતિમાં ૦.૫૬ ટકાનો ઘટાડો થયો છે. જીપીઆઈના રિપોર્ટ અનુસાર સમગ્ર વિશ્વમાં યુદ્ધનો પડછાયો ઝડપથી ઘેરો થઈ રહ્યો છે. જો તેને ફેલાતો અટકાવવામાં નહીં આવે તો તે ગમે ત્યારે આખી દુનિયાને ઘેરી શકે છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સના ૧૮મા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત વૈશ્વિક સંઘર્ષની સંખ્યા ૫૬ના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. વૈશ્વિક શક્તિઓ હવે પરંપરાગત શસ્ત્રો (આટલરી) કરતાં ડ્રોન અને સંરક્ષણ ઉપગ્રહો પર વધુ ખર્ચ કરી રહી છે.

સૈન્ય ઉપગ્રહો પર વધતા ખર્ચને કારણે સંઘર્ષનો પડછાયો હવે અવકાશમાં પહોંચી ગયો છે. એટલું જ નહીં, ડ્રોનની એન્ટ્રી સાથે હવે નાના જૂથો પણ સરળતાથી તેમની હુમલો કરવાની ક્ષમતા વધારી રહ્યા છે. વૈશ્વિક સ્તરે વધતી હિંસાને કારણે, ૨૦૨૩ માં તેના કારણે આર્થિક નુક્સાન ૧૯.૧ ટ્રિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જે વિશ્વના જીડીપીના ૧૩.૫ ટકા છે. આ નુક્સાન પ્રતિ વ્યક્તિ ૨૩૮૦ ડોલર એટલે કે લગભગ રૂ. ૧૯૮૯૪૯ આંકવામાં આવ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે હવે યુદ્ધો પણ આંતરરાષ્ટ્રીય બની રહ્યા છે. વિશ્વના ૯૨ દેશો તેમની સરહદો પર સંઘર્ષની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તે જ સમયે, ૨૦૨૪ માં, ૯૭ દેશોમાં શાંતિપૂર્ણ સ્થિતિમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ભારત સહિત ૬૫ દેશોમાં સ્થિતિમાં સુધારો થયો છે. રિપોર્ટ જાહેર થયા બાદ આ સૌથી વધુ સંખ્યા છે.

સિંગાપોરને વિશ્વનો પાંચમો સૌથી શાંતિપૂર્ણ દેશ અને એશિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ માનવામાં આવે છે. આ યાદીમાં મલેશિયાને જાપાન કરતાં વધુ શાંતિપ્રિય માનવામાં આવે છે અને તેને ૧૦મું વૈશ્વિક રેન્ક આપવામાં આવ્યું છે, જ્યારે જાપાનને ૧૭મું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે પીસ ઈન્ડેક્સમાં ચીનને ૮૯મું સ્થાન આપવામાં આવ્યું છે.

વૈશ્વિક સ્તરે વધતા સંઘર્ષને કારણે વિશ્વ ના ૧૦૮ દેશોએ તેમની સૈન્ય ક્ષમતા વધારી છે. જેના કારણે સમગ્ર વિશ્વ ની સૈન્ય ક્ષમતામાં ૧૦ ટકાનો વધારો થયો છે. અમેરિકાની ઘાતક સૈન્ય ક્ષમતા ચીન કરતા ત્રણ ગણી વધારે છે, જોકે ચીને છેલ્લા ૧૦ વર્ષમાં તેની સૈન્ય ક્ષમતામાં સૌથી વધુ વધારો કર્યો છે. આ પછી રશિયા, ફ્રાન્સ અને યુકેની સૈન્ય ક્ષમતા સૌથી વધુ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં છેલ્લા એક દાયકામાં ૧૦માંથી ૯ વર્ષોમાં શાંતિમાં ઘટાડો થયો છે. વિક્રમજનક સંખ્યામાં સંઘર્ષો, લશ્કરીકરણમાં વધારો અને આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક સ્પર્ધામાં વધારો જોવા મળ્યો હતો. આટલું જ નહીં, યુક્રેન યુદ્ધને કારણે, વિશ્વ ના સૌથી શાંતિપૂર્ણ ક્ષેત્ર યુરોપના ત્રણ-ચતુર્થાંશ દેશોએ ૨૦૨૩માં તેમના સૈન્ય ખર્ચમાં વધારો કર્યો છે. યુરોપમાં હજુ પણ વિશ્વ ના ૧૦ સૌથી શાંતિપૂર્ણ દેશોમાંથી સાત દેશો હોવા છતાં, આ ક્ષેત્રના ૩૬ દેશોમાંથી ૨૩માં શાંતિપૂર્ણ સ્થિતિમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૨૪ના પીસ ઈન્ડેક્સ અનુસાર, સમગ્ર વિશ્વ માં સરેરાશ શાંતિમાં ૦.૫૬ ટકાનો ઘટાડો થયો છે. આઇસલેન્ડ, આયર્લેન્ડ અને ઓસ્ટ્રિયાને વિશ્વ ના ત્રણ સૌથી શાંતિપૂર્ણ દેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમાં અમેરિકાને ૧૩૨મું સ્થાન મળ્યું છે અને ૧૧૬મું સ્થાન ધરાવતા ભારત કરતાં વધુ અસ્વસ્થ માનવામાં આવે છે.