લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નવા આર્મી ચીફ બનશે,૩૦ જૂને મનોજ પાંડેનું સ્થાન લેશે

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના નવા વડા બનશે. તેઓ ૩૦ જૂને જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે. ઉપેન્દ્ર દ્વિવેદીએ લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી છે. આ વર્ષે ૧૯ ફેબ્રુઆરીએ ઉપેન્દ્ર દ્વિવેદીએ આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ દ્વિવેદી ૨૦૨૨-૨૦૨૪ સુધી ઉત્તરી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફનું પદ સંભાળી રહ્યા હતા.

ઉપેન્દ્ર દ્વિવેદી મધ્યપ્રદેશના રીવા સ્થિત સૈનિક સ્કૂલનો વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ૩૯ વર્ષથી વધુની તેમની કારકિર્દી દરમિયાન તેમણે સમગ્ર દેશમાં પડકારજનક વાતાવરણમાં કમાન્ડિંગ હોદ્દાઓ સંભાળ્યા છે. તેણે કાશ્મીર ખીણ તેમજ રાજસ્થાનમાં યુનિટની કમાન સંભાળી હતી. તેઓ ઉત્તર પૂર્વમાં આતંકવાદ વિરોધી વાતાવરણમાં આસામ રાઈફલ્સના સેક્ટર કમાન્ડર અને ઈન્સ્પેક્ટર જનરલ રહી ચૂક્યા છે.

ઉપેન્દ્ર દ્વિવેદી પણ સરહદ વિવાદના મુદ્દાને ઉકેલવા માટે ચીન સાથેની વાતચીતમાં સામેલ હતા. ભારતીય સેનાના સૌથી મોટા કમાન્ડના આધુનિકીકરણમાં પણ યોગદાન આપ્યું છે. તેમણે માઉન્ટેન ડિવિઝન, સ્ટ્રાઈક કોર્પ્સ અને આર્મી હેડક્વાર્ટરમાં પણ મહત્વના પદો પર કામ કર્યું છે. તેમણે સુરક્ષા દળોને આધુનિક હથિયારોથી સજ્જ કરવામાં પણ યોગદાન આપ્યું છે.પાયદળના મહાનિર્દેશક તરીકે લેફ્ટનન્ટ જનરલે ત્રણેય સેનાઓ માટે શસ્ત્રોનો ખરીદીનું નેતૃત્વ કર્યું હતું. પરિણામ એ આવ્યું કે સશસ્ત્ર દળોની ક્ષમતામાં સુધારો થયો. તાલીમ સંબંધિત હોદ્દા પણ સંભાળ્યા છે. તેણે ડિફેન્સ અને મેનેજમેન્ટમાં એમ.ફિલ કર્યું છે. આ સિવાય તેમણે વ્યૂહાત્મક અભ્યાસ અને લશ્કરી વિજ્ઞાનમાં બે માસ્ટર ડિગ્રી લીધી છે.