કોઈપણ મૃત વ્યક્તિને સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર અને સારી વિદાય કરવાનો અધિકાર છે

કોઈપણ મૃત વ્યક્તિને સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર અને સારી વિદાય કરવાનો અધિકાર છે. આ એક એવો મૂળભૂત અધિકાર છે, જેમ કોઈપણ જીવિત માનવીને અમુક અધિકારો મળે છે. બોમ્બે હાઈકોર્ટે આ પીઆઇએલની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું, જેમાં મુંબઈમાં કબ્રસ્તાનની અછતને દૂર કરવાની માગ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડીકે ઉપાયાય અને જસ્ટિસ અમિત બોરકરે કહ્યું કે મૃતકોને દફનાવવા માટે કબ્રસ્તાનમાં યોગ્ય વ્યવસ્થા કરવી એ બીએમસીનું કામ છે.

કોર્ટે કહ્યું કે, ‘મૃતકને પણ સન્માનિત અંતિમ સંસ્કાર અને વિદાયનો એટલો જ અધિકાર છે જેટલો જીવિતનો છે. દફનવિધિ માટે કબ્રસ્તાન પૂરું પાડવું એ સ્થાનિક સંસ્થાની ફરજ છે. આ એક એવી જવાબદારી છે જેમાંથી સ્થાનિક સંસ્થા ભાગી શકે નહીં. અરજીમાં કોર્ટને કહેવામાં આવ્યું હતું કે દેવનાર કોલોની, રફી નગર અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ પાસે જમીન છે જ્યાં કબ્રસ્તાન બનાવી શકાય છે. આના પર કોર્ટે મ્સ્ઝ્રને આ પ્લોટ્સ જોવા અને કબ્રસ્તાન માટે જગ્યા આપી શકાય તો યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

અગાઉ બીએમસીએ કહ્યું હતું કે આ પ્લોટનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવો સરળ નહીં હોય.બીએમસીએ કહ્યું કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાસેની જમીન હવે કોઈની ખાનગી મિલક્ત છે. તેના પર કોર્ટે કહ્યું કે તમે તેને ૨૦૧૩ના લેન્ડ એક્વિઝિશન એક્ટ હેઠળ લઈ શકો છો. હવે, જ્યારે ૧૦ જૂને આ કેસની ફરી સુનાવણી થઈ, ત્યારે કોર્ટને જાણવા મળ્યું કે અત્યાર સુધી બીએમસીએ તેના અધિગ્રહણ માટે કોઈ વ્યવસ્થા કરી નથી. કોર્ટે કહ્યું કે સત્તાવાળાઓ તરફથી આવા ઉદાસીન વલણને સ્વીકારી શકાય નહીં. હવે કોર્ટે આ કેસની સુનાવણી માટે ૨૧ જૂનની તારીખ નક્કી કરી છે.