રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ, ખાલિસ્તાનીના નારા પણ લખાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈટાલી પ્રવાસ પહેલા એક શરમજનક ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ તેના ઉદ્ઘાટનના થોડા સમય બાદ તોડી પાડી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળને તાત્કાલિક સાફ કરવામાં આવ્યું હતું.

આ મામલે વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે, અમે રિપોર્ટ જોયા છે. ભારતે ઇટાલિયન સત્તાવાળાઓ સમક્ષ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુક્સાનનો મુદ્દો ઉઠાવ્યો છે. ગાંધીજીની પ્રતિમાનું સમારકામ કરવામાં આવ્યું છે. આ મામલે ઇટાલિયન સત્તાવાળાઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદી આવતીકાલે ઈટાલીના વડાપ્રધાન જ્યોજયા મેલોનીના આમંત્રણ પર જી-૭ સમિટમાં ભાગ લેવા રવાના થશે. ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન બન્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત તેમને ગ્લોબલ સાઉથના મુદ્દા ઉઠાવવાની અને વિશ્ર્વના નેતાઓ સાથે જોડાવવાની તક પૂરી પાડશે. જી-૭ સમિટ ૧૩ થી ૧૫ જૂન દરમિયાન યોજાશે. ઈટાલીએ કોન્ફરન્સ પહેલા મહાત્મા ગાંધીની પ્રતિમા તોડનારા દોષિતો સામે કાર્યવાહી શરૂ કરી છે. પ્રમિતાને નુક્સાન પહોંચાડવાની ઘટનાને પોલીસ ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. સમિટ પહેલા ઈટાલીમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે.