પંચમહાલ જિલ્લામાં નીટ પરીક્ષાના મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. આ મામલાને લઈને ગોધરા જય જલારામ શાળા વિવાદોમાં આવી છે. ૧૬ વિદ્યાર્થીઓના નિવેદનો લેવાયા છે. ચાર વિદ્યાર્થીઓએ નીટ પાસ કરવા માટે ૬૬ લાખ આપ્યા હતા. ૧૨ વિદ્યાર્થીઓએ તો તેમા ચેકથી રૂપિયા આપ્યા હોવાની માહિતી છે. નીટના આ કૌભાંડની સઘન તપાસ થઈ રહી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી નીટની પરીક્ષામાં ગેરનીતિ થયાનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જિલ્લા કલેકટર દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કલેકટરની સજાક્તાના કારણે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર, જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પરીક્ષા સેન્ટરના ડેપ્યુટી અધિક્ષકની કારમાંથી ૭ લાખ રૂપિયા રોકડા મળ્યા હતા, આ સિવાય છ વિધાર્થી પાસેથી વિધાર્થીદીઠ ૧૦-૧૦ લાખ રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. પરીક્ષા કેન્દ્ર પર જીલ્લા કલેકટર, જીલ્લા અધિક કલેકટર અને ડીઇઓ તપાસ માટે પહોચ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી મળી રૂ. ૭ લાખની રોકડ રકમ હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેનમેન્ટના મોબાઈલમાંથી NEET ટ્ઠ ચેટમાં કુલ ૬ વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાની માહિતી સામે આવી છે. એક વિદ્યાર્થી દીઠ ૧૦ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે.
સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાય છે.