ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના વિરોધમાં ગોંડલમાં મહારેલી તો સમર્થનમાં અનેક ગામો સજ્જડ બંધ

એનએસયુઆઇના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવા મામલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજાના વિરુદ્ધમાં ગોંડલમાં દલિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી છે. નોંધનીય છે કે, જુનાગઢમાં એનએસયુઆઇ શહેર પ્રમુખના અપરહણના કેસમાં મુખ્ય આરોપી ગણેશ જાડેજાને ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ તે જેલના સળિયા પાછળ છે. જે બાદ પણ દલિત સમાજનો રોષ સમ્યો નથી. આ લોકોની માંગ છે કે, આરોપી ગણેશને કડકમાં કડક સજા થાય. તો બીજી બાજુ ગણેશ જાડેજાના સમર્થનમાં અનેક ગામોએ બંધ પાળ્યો છે.

બીજી બાજુ ગણેશ ગોંડલના સમર્થનમાં અનેક ગામો જેમકે જામવાડી, અનિડાગામ સહિતના ગામોએ સજ્જડ બંધ પાળ્યો છે. ગોંડલ તાલુકાના ગ્રામજનો સ્વૈચ્છિક ગણેશસિંહ જાડેજાના સમર્થનમાં બંધમાં જોડાયા છે. ત્યારે જામવાડી ગામના આગેવાન કહી રહ્યા છે કે, ગણેશ જાડેજા પર ખોટા આરોપો કરવામાં આવી રહ્યા છે. આથી અમે તેમના સમર્થનમાં સ્વૈચ્છિક બંધ રાખ્યું છે. તેઓ અમારા દરેક કામમાં પડખે ઉભા હોય છે.

ગામના સ્વૈચ્છિક બંધ સાથે ગોંડલ એપીએમસી માર્કેટે પણ ગણેશ જાડેજાના સમર્થનમાં સજજડ બંધ રાખવામાં આવ્યું છે. યાર્ડના વેપારીઓ તેમજ કમિશન એજન્ટે પણ સમર્થન આપ્યું છે. જુનાગઢ જીલ્લાના અનુસુચિત જાતિના પ્રમુખના દીકરાનું અપહરણ કરી મારમારવાના કેસમાં ધાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગોંડલ એપીએમસીના ચેરમેન કહી રહ્યા છે કે, ગોંડલના ગણેશ જાડેજા પર ખોટા આરોપો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ગોંડલના લોકોએ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આપને જણાવીએ કે, જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈના પુત્ર અને જુનાગઢ શહેર એનએસયુઆઇના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સંજય સોલંકી રાતના સમયે દાતાર રોડ પર પોતાના ઘરે જતો હતો. આ દરમિયાન ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેના મિત્રો પણ ત્યાંથી જ કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન ફરિયાદી સંજય સોલંકીએ કારને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા ફરિયાદી અને આરોપીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થયું હતું. જે બાદ બંને ચાલકો ગોંડલ જતા રહ્યા હતા. પરંતુ તે બાદ ગણેશ અને અન્ય આરોપીઓ કારની નંબર પ્લેટ કાઢી ફરી જુનાગઢ પ્રદીપ ખાડિયા વિસ્તારમાં આવ્યા અને ફરિયાદી સંજય સોલંકીનું લોકેશન મેળવી તે જયાં હતો ત્યાં તેને મારી નાખવાના ઇરાદે કારથી મોટરસાયકલને પાછળથી અથાડી હતી. જે બાદ આ લોકોએ લોખંડના પાઇપ જેવા હથિયારોથી સંજય સોલંકીને માર પણ માર્યો હતો. જે બાદ સંજય સોલંકીનું અપહરણ કરી દીધું હતુ. આ લોકોની માંગ છે કે, આરોપી ગણેશને કડકમાં કડક સજા થાય. તો બીજી બાજુ ગણેશ જાડેજાના સમર્થનમાં અનેક ગામોએ બંધ પાળ્યો છે.