- ખેડા જીલ્લામાં કુલ 419 ગ્રામ પંચાયતોએ પ્રાકૃતિક ખેતી કરતા 75થી વધુ ખેડુતોનું લક્ષાંક હાંસલ કર્યુ.
- પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે જીલ્લામાં કુલ 10 હંગામી વેચાણ હાટ શરૂ.
- સમગ્ર જીલ્લામાં અત્યાર સુધી કુલ રૂ. 9,59,007ની પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજવસ્તુઓ વેચાઈ.
નડિયાદ,ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર ગુજરાતમાં ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખેતીની તુલનાએ પ્રાકૃતિક ખેતી માણસ અને પ્રકૃતિ બન્નેનાં સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. ત્યારે ખેડા જીલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાની દિશામાં કામગીરી કરવામાં આવી છે. આજે ખેડા જીલ્લામાં કુલ 35,891 ખેડુતો 19,690 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હાલમાં ખેડા જીલ્લામાં કુલ કુલ 419 ગ્રામ પંચાયતોમાં 75થી વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને જીલ્લામાં કુલ 106 પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ આવેલા છે.
જીલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સમયાંતરે ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી માર્ગદર્શન, માહિતિ અને તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત જીલ્લાના નાગરિકોને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત થયેલ સ્વાસ્થ્યવર્ધક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે અને પ્રાકૃતિક ખેડૂતોને પોતાની ઉપજ માટે યોગ્ય બજાર તથા યોગ્ય ભાવ મળી રહે તે માટે જીલ્લામાં તાલુકા કક્ષાએ કુલ 10 હંગામી વેચાણ હાટ પણ ચાલુ કરવામાં આવ્યા છે.
પ્રાકૃતિક ખેડૂત હાટ અંતર્ગત દર સોમવારે નડિયાદમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે, વસોમાં દર ગુરૂવારે તાલુકા સેવા સદન ખાતે, માતરમાં દર ગુરૂવારે સવારે ગ્રામ પંચાયતની સામે, મહેમદાવાદમા દર ગુરૂવારે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે, ખેડામાં દર ગુરૂવારે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે, કઠલાલમાં દર ગુરૂવારે સવારે શાહપુર ગામે, ઈન્દોર-અમદાવાદ હાઈવે રોડ ખાતે, કપડવંજમાં દર સોમવારે સવારે બોભા ચોકડી, બોભા. કપડવંજ, દહેગામ રોડ, મહુધામાં દર સોમવારે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે, ઠાસરામાં દર સોમવારે સવારે તાલુકા પંચાયત કેમ્પસ ખાતે અને ગળતેશ્ર્વરમાં દર ગુરૂવારે સવારે તાલુકા પંચાયત ખાતે આવેલ વેચાણકેન્દ્રો પરથી ખેડુતો દ્વારા પ્રાકૃતિક કૃષિથી તૈયાર થયેલ ચીજવસ્તુઓનુ વેચાણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 60 પ્રાકૃતિક ખેડુતોએ વેચાણ હાટમાં ભાગ લઈને કુલ રૂ. 9,59,007 ની રકમની ચીજવસ્તુઓનું વેચાણ કર્યુ છે.
ખેડા જીલ્લામાં પ્રાકૃતિક કૃષિને વધુ પ્રોત્સાહન મળે તે માટે કુલ 101 ક્લસ્ટર હેઠળ કુલ 101 ફાર્મર માસ્ટર ટ્રેનર અને 101 ટેકનિકલ માસ્ટર ટ્રેનર અને કુલ 103 ફાર્મર ફ્રેન્ડ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ખેડુતોને ગાય આધારિત ખેતી, ઘનામૃત, જીવામૃતનો સચોટ ઉપયોગ, પાક-ફેરબદલી સહિતની બાબતો પર માહિતિ આપી ફળદ્રુપ ખેતી માટે તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધી કુલ 1,70,823 ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. જેમાં, નડિયાદમાં કુલ 13,543 ખેડુતો, ઠાસરામાં 17,821, મહેમદાવાદમાં 17,423, કપડવંજમાં 35,757, કઠલાલમાં 22,655, ખેડામાં 13,940, મહુધામાં 12,877, માતરમાં 16,027, ગળતેશ્વરમાં 11,115 અને વસોમાં કુલ 9,665 ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપવામાં આવી છે.
આમ, જીલ્લામાં વધુને વધુ ખેડૂતો તાલીમબદ્ધ થઈ પ્રાકૃતિક ખેતી તરફ વળી જીલ્લાવાસીઓ તથા પોતાની જમીનના સ્વાસ્થ્ય સંવર્ધનનું કામ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત “આત્મા પ્રાકૃતિક ખેડૂત હાટ” દ્વારા ખેડૂતોને પોતાની પ્રાકૃતિક ખેતપેદાશોના વેચાણ માટે યોગ્ય બજાર તથા સારો ભાવ મળી રહે છે અને જીલ્લાવાસીઓને ઝેરી રસાયણોથી મુક્ત, સંપૂર્ણ પ્રાકૃતિક શાકભાજી અને અન્ય ખેતપેદાશો મેળવવી સરળ બની છે. છે.