- 21 જૂનના રોજ નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જીલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે.
- કલેકટરની અધ્યક્ષતામાં યોગ દિવસની જીલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગેની બેઠક યોજાઈ.
’સ્વયં અને સમાજ માટે યોગ’ સંકલ્પ સાથે ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ખેડા જીલ્લામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ, મરીડા ભાગોળ, નડિયાદ ખાતે સવારે 07:00 કલાક થી જીલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ કરવામાં આવશે. આ કાર્યક્રમના સુદ્રઢ અયોજન હેતુ જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જીલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી.
આ પ્રંસગે જીલ્લા કલેક્ટકર અમિત પ્રકાશ યાદવે તમામ વિભાગોએ સંકલનમાં રહી માઈક્રોપ્લાનિંગ દ્વારા યોગ દિવસની ઉજવણી માટે કાર્યક્રમો કરવા જણાવ્યું હતું. કલેક્ટરએ ગ્રામ્ય, તાલુકા અને જીલ્લા કક્ષાએ યોગ દિવસ ઉજવણી કાર્યક્રમમાં મહત્તમ લોકો ઉત્સાહપુર્વક જોડાય એ માટે પ્રયાસો કરવા સૂચનાઓ આપી હતી. વધુમાં, જીલ્લાના તમામ તાલુકાઓ અને નગરપાલિકા ખાતે આઈકોનિક સ્થળોએ આ કાર્યક્રમો યોજાય તે માટે જરૂરી વ્યવસ્થાપન ઊભું કરવા કલેક્ટરએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત તા. 14 થી 21 જૂન સુધી ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા, સ્કૂલ, કોલેજ, આઈટીઆઈ, જેલ સહિત જાહેર સ્થળોએ યોગ સપ્તાહ ઊજવણીના કાર્યક્રમો યોજાશે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર ભરત જોશી, જીલ્લા વન સંરક્ષક અભિષેક સામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારીઓ, જીલ્લા યુવા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસરઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારો સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.