- જીલ્લા કલેકટર નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે પૂર્વ આયોજન માટે બેઠક યોજાઈ.
મહીસાગર જીલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવા સંદર્ભે જીલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સંબંધીત વિભાગો સાથે પૂર્વ આયોજનના ભાગરૂપે જીલ્લા કલેકટર નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
21 જૂનને વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક શહેર અને જીલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય અને આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મહીસાગર જીલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સવિશેષ રીતે કરવામાં આવે તે માટે સંબંધિત વિભાગ સાથે પૂર્વ આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહીસાગર જીલ્લામાં જીલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમનું સુચાર રૂપે આયોજન થાય તેમજ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે અને જીલ્લાની શૈક્ષણિક તેમજ અન્ય વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ. અને લોકો સ્વૈચ્છિક રીતે આ આયોજનમાં જોડાય તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. 16 થી 20 જૂન દરમિયાન યોગના વિવિધ કાર્યક્રમો યોજાય તે માટે પણ યોગ્ય આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સી.વી.લટા, પ્રાયોજના વહીવટદાર, લુણાવાડા પ્રાંત અધિકારી, જીલ્લા યુવા વિકાસ અધિકારી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, ખેતીવાડી અધિકારી, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.