માલાવીના ઉપરાષ્ટ્રપતિનું વિમાન ગુમ, સર્ચ ઓપરેશન યથાવત્

દક્ષિણપૂર્વ આફ્રિકામાં આવેલા માલાવી દેશના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે, દેશના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ક્લાઉસ ચિલિમા અને અન્ય ૯ લોકોને લઈ જતું વિમાન ગુમ થઈ ગયું છે. કેબિનેટના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “એરક્રાટ રડારથી ગાયબ થઈ ગયું ત્યારથી તેનો સંપર્ક કરવાના એવિયેશન અધિકારીઓના તમામ પ્રયાસો અત્યાર સુધી અસફળ રહ્યા છે.”

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૫૧ વર્ષીય ચિલિમા માલાવી ડિફેન્સ ફોર્સ એરક્રાટમાં સવાર હતા, જેણે સ્થાનિક સમય અનુસાર સવારે ૯.૧૭ વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૪૫ વાગ્યે) રાજધાની લિલોંગવેથી ઉડાન ભરી હતી. મળતી માહિતી મુજબ, વિમાન ગાયબ થયા બાદ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વિમાને સોમવારે સવારે માલાવીની રાજધાની લિલોગવેથી ઉડાન ભરી હતી. આ વિમાનમાં ઉપરાષ્ટ્રપતિ સિવાય અન્ય ૯ લોકો સવાર હતા. માલાવીના ભૂતપૂર્વ પ્રથમ મહિલા શાનિલ ડિઝિમ્બીરી (મુલુઝી) પણ વિમાનમાં હતા. વિમાન સવારે મઝુઝુમાં લેન્ડ થવાનું હતું, પરંતુ તે પહેલા જ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

પ્લેનનો સંપર્ક ન થઈ શકવાની સ્થિતિમાં રાષ્ટ્રપતિએ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનનો આદેશ આપ્યો હતો. ટીમ પ્લેનને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેનું ચોક્કસ લોકેશન હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટના બાદ માલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ બહામાસનો તેમનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. સરકારી સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે હવે ઉપરાષ્ટ્રપતિ બચી જશે તેવી આશા ઓછી છે. તેની પત્ની મેરી પ્લેનમાં સવાર ન હોવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે.

વર્ષ ૨૦૨૨ માં, ચિલિમાને તેના અધિકારોથી વંચિત કરવામાં આવી હતી, જ્યારે તે બ્રિટિશ-માલાવીના વેપારી સાથે સંકળાયેલા અને ભ્રષ્ટાચારના આરોપમાં લાંચ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી.