ગુજરાત રાજ્યમાં વધતી ગરમીના પગલે વીજળીની ખપતમાં મોટા પાયે વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઐતિહાસિક ૨૫,૬૦૦ મેગાવોટ વીજળીનો વપરાશ થતાં સરકારને ખાનગી ઉત્પાદકો પાસેથી વીજળી ખરીદવી પડી છે. જે અત્યાર સુધીના વીજ વપરાશનો સૌથી વધુ રેકોર્ડ બન્યો છે. આ વીજળી ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી રુપિયા ૩થી ઓછા ભાવે ખરીદ કરવામા આવી હોવાનુ જાણવા મળ્યું છે.
રાજયમા પીકઅવર્સમાં રેકોર્ડબ્રેક ૨૫,૬૦૦ મેગાવોટ વીજળીનો વપરાશ થયો છે, જે વર્તમાન ઉનાળાની સિઝનમાં દૈનિક વીજળીની સૌથી વધુ ખપત છે. આ અગાઉ ૨૫મી મેએ રાજ્યમાં ૨૪,૯૦૦ મેગાવોટ વીજળીનો વપરાશ થયો હતો, તે વિક્રમ ગઈકાલે તૂટી ગયો છે. દિવસ દરમિયાન સેન્ટ્રલ સેક્ટરમાંથી એનટીપીસીના પાવર સ્ટેશનો તરફથી મોટાપાયે વીજળી મળતાં કંઈક અંશે રાહત અનુભવાઈ છે, જે ૭,૮૦૦ મેગાવોટ જેટલો વીજપુરવઠો હતો. જ્યારે રેકોર્ડબ્રેક વીજળીની માગને પહોંચી વળવા માટે પીકઅવર્સ દરમિયાન પાવર એક્સ્ચેન્જ ઑફ ઇન્ડિયામાંથી ૭૦૦ મેગાવોટથી વધુ વીજળી ખરીદવી પડી હતી.એ વીજળી યુનિટદીઠ રૂ.૩થી ઓછા ભાવે મળી હોવાનો તંત્ર દ્વારા દાવો થઈ રહ્યો છે.
ગુજરાત સરકારની જનરેશન કંપની જીસેક હેઠળના સરકારી વીજમથકોની કુલ સ્થાપિત ક્ષમતા ૬,૧૦૦ મેગાવોટથી વધુ છે, જેમાંથી દિવસ દરમિયાન ૩,૭૫૦ મેગાવોટ જેટલી વીજળી મેળવાઈ હતી. જ્યારે રાજ્યની ૭,૮૦૦ મેગાવોટથી વધુ સ્થાપિત ક્ષમતાના સોલાર એકમો પાસેથી ૪,૩૦૦ મેગાવોટ જેટલી તથા આશરે ૯,૫૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા રાજ્યના પવન ઊર્જા એકમો દ્વારા માંડ ૧,૫૦૦ મેગાવોટ વીજળી પ્રાપ્ત થઈ હતી.
રાજ્યના સ્વતંત્ર ખાનગી એકમો દ્વારા આજકાલ પૂર્ણક્ષમતાએ ઉત્પાદન થઈ રહ્યું હોઈ અદાણી પાવર લિમિટેડ પાસેથી ૨,૪૦૦ મેગાવોટ, તાતા જૂથની કંપની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ પાસેથી ૧,૮૦૦ મેગાવોટ તથા એસ્સાર લિમિટેડ દ્વારા ૧,૧૦૦ મેગાવોટ વીજળી રાજ્યને મળી હોવાનું જણાવાઈ રહ્યું છે.મહત્વનું છે કે, આ વખતે ઉનાળામાં સળંગ પાંચથી સાત દિવસ સુધી રાજ્યમાં તમામ વિસ્તારોમાં તાપમાન મહદ્ અંશે ૪૦ ડિગ્રીથી વધુ અને અનેક શહેરોમાં ૪૫ ડિગ્રી એકધાર્યું રહ્યું હતું. આ ઉપરાંત, રાત્રિનું તાપમાન પણ સામાન્ય સંજોગોમાં જે મહત્તમ હોય તેનાથી વધુ હતું. આથી, આ સંજોગોમાં વીજળીનો વપરાશ સ્વાભાવિક જ વધી ગયો હતો.