કુખ્યાત ગેંગસ્ટર અબુ સાલેમના જીવને ખતરો છે, કોર્ટમાં અરજી દાખલ કરી

જેલમાં બંધ ગેંગસ્ટર અબુ સાલેમના જીવ પર ખતરો છે. તેણે મુંબઈ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે કે તેને તલોજા જેલમાંથી અન્ય કોઈ જેલમાં ખસેડવામાં ન આવે.

સાલેમની વકીલ અલીશા પારેખ કહે છે, ’તેણે આ અરજી એટલા માટે દાખલ કરી છે કારણ કે તેને લાગે છે કે તેનો જીવ જોખમમાં છે. તળોજા જેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે લોઅર સેલની સ્થિતિ સારી નથી અને તેને ફરીથી બનાવવાની જરૂર છે. તેના માટે બીજી કોઈ સલામત જગ્યા નથી, તેથી તેને બીજી જેલમાં ટ્રાન્સફર કરવો પડશે. હાલમાં અમને વચગાળાની રાહત મળી છે. આ પહેલા પણ સાલેમ પર બે વખત હુમલા થઈ ચૂક્યા છે.

સાલેમને તળોજા જેલમાં હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે જેલ સત્તાવાળાઓ આ સેલનું સમારકામ કરાવવા માંગે છે અને તેથી કેદીઓને અન્ય જેલમાં ખસેડવા માંગે છે. જ્યારે સાલેમનું કહેવું છે કે તેના માટે માત્ર તલોજા જેલ સુરક્ષિત છે. અન્ય જેલોમાં અન્ય ગેંગના લોકો છે, જે તેના જીવ માટે જોખમી બની શકે છે.

તમને જણાવી દઈએ કે અબુ સાલેમને ૧૯૯૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના સંબંધમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને ૨૦૦૫માં પોર્ટુગલથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. સાલેમને ૨૦૧૫માં મુંબઈના બિલ્ડર પ્રદીપ જૈનની હત્યાના કેસમાં આજીવન કેદ અને ૨૦૧૭માં ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.