ગોંડલમાં ગઈ મધરાતે ઘરમાં બહાર આવેલ પ્લોટમાં સુઈ રહેલ મહિલાનો એકલતાનો લાભ લઈ પ્લોટમાં ઘુસેલા પાડોશી શખ્સે શરીરે અડપલાં કરી બાથ ભરી લીધી હતી. દરમિયાન મહિલાએ બુમાબુમ કરતાં આરોપી રોકડ રૂ.૭ હજાર ભરેલ પર્સ ચોરી નાસી છૂટયો હતો. બનાવ અંગે ગોંડલ સીટી પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
બનાવ અંગે ગોંડલમાં એક વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભાવેશ ઉર્ફે ભાવલો મહેશ ગવારીયાનું નામ આપતાં ગોંડલ સીટી પોલીસે છેડતી અને ચોરીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મજૂરીકામ કરે છે અને ગઈ તા.૧૦ ની રાતે તે તેમની પુત્રી સાથે પોતાના ઘરના દરવાજા પાસે બહાર ખુલ્લા પ્લોટમાં સુતા હતાં. ત્યારે મધરાતે બે વાગ્યાના આસપાસ ત્યારે એકલતાનો લાભ લઇ તેમની ઘર સામે જ રહેતો શખ્સ ભાવેશ ઉર્ફે ભાવલો પ્લોટમાં ઘુસ્યો હતો અને ફરિયાદી સુતા હતાં ત્યાં ખાટલા પાસે ઘસી જઈ તેણીના શરીરે અડપલાં કરી છેડતી કરવાં લાગ્યો હતો. તેમજ મહિલાને બાથ ભરવા જતાં તેણી ઊંઘમાંથી જાગી ગઈ હતી અને આરોપીને ધક્કો મારી દૂર ધકેલી દિધો હતો.
બાદમાં તેણીએ બુમાબુમ કરતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. દરમિયાન બુમાબુમ થતાં તેણીના પતિ દોડી આવતાં તેને બનાવ અંગેની જાણ કરી પોતે પોતાના કપડા વ્યવસ્થિત કરતી હતી ત્યારે જાણવા મળેલ કે પોતાની પાસે રહેલ રૂ.૭૨૨૫ રોકડ ભરેલ મની પર્સ ગાયબ છે. જેથી તેણી મધરાતે સૂતી હતી ત્યારે એકલતાનો લાભ લઇ અંદર પ્લોટમાં ઘુસેલા પાડોશી શખ્સે તેણીની છેડતી કરી રોકડ રૂપિયાની ચોરી કરી નાસી છૂટ્યો હતો.બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી આરોપીને ગણતરીની કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.