દાહોદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મહાસંગ્રામ હવે ધીમે ધીમે નિર્ણાયક તબક્કામાં પહોંચી રહ્યો છે. બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો પર રાજકીય પક્ષો દ્વારા બાકી રહેલા ઉમેદવારોની જાહેરાત કરી દેતા ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી નોંધાવાની આજરોજ છેલ્લી તારીખ હોય બાકી રહેલા ઉમેદવારો આજે પોતાની ઉમેદવારીનું ફોર્મ પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કરશે, ત્યારે દાહોદ જિલ્લાની દાહોદ 132 વિધાનસભા બેઠક તેમજ ગરબાડા વિધાનસભા બેઠક પર છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમાંય દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય વજેસિંહ પણદાએ બે દિવસ પહેલા વાજતે ગાજતે પોતાનું નામાંકન દાહોદ બેઠક ઉપરથી દાખલ કર્યું હતું, પરંતુ ગઈકાલે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી અંતિમયાદીમાં વર્તમાન ધારાસભ્ય વજેસિંહ પણદાની ટિકિટ કપાઈ જતા અને તેમની જગ્યાએ જિલ્લા કોંગ્રેસના યુવા પ્રમુખ હર્ષદ નીનામા ઉપર મોવડી મંડળે પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જેને લઇ વર્તમાન ધારાસભ્ય વજેસિંહ પણદાના સમર્થકો તેમજ ટેકેદારોમાં એક પ્રકારની નારાજગી જોવા મળી હતી. ત્યારે બીજી તરફ હર્ષદ નીનામા ના સમર્થકો અને ટેકેદારો ગેલમાં આવી ગયા હતા આજરોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય ત્યારે હર્ષદ નીનામાએ શુભ મુહૂર્તમાં વાજતે ગાજતે રેલી સ્વરૂપે નીકળી પ્રાંત અધિકારીની કચેરીએ પોતાનું નામાંકન દાખલ કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં પ્રાંત અધિકારી સમક્ષ કોંગ્રેસના મેન્ડેટ સાથે જિલ્લા કોંગ્રેસના યુવા પ્રમુખ હર્ષદ નીનામાએ પોતાની દાવેદારી 132 દાહોદ વિધાનસભા બેઠક ઉપરથી નોંધાવી છે. ત્યારે હવે દાહોદ વિધાનસભા બેઠક ઉપર બે યુવાઓ વચ્ચે ખરા ખરીનો જંગ જામશે તેવું ચિત્રમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે ટિકિટ કપાતા નારાજ થયેલા વજેસિંહ પણદા પક્ષ માટે વફાદાર રહી કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરશે કે પછી પક્ષ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવશે અથવાતો ભાજપનો કેસરિયો ધારણ કરશે કે શું આવા તમામ સમીકરણોને ધ્યાને લઈ પોતે નિષ્ક્રિય બની જશે એ હાલમાં કહેવું અશક્ય છે.