દાહોદ,
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો મહાસંગ્રામ હવે ધીમે ધીમે નિર્ણાયક તબક્કામાં આગળ વધી રહ્યો છે. છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ બીજા તબક્કાના મતદાન માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ દાહોદ જિલ્લાની કુલ છ વિધાનસભા બેઠકો પર ઉમેદવારોનો ફોર્મ ભરવાનો રાફડો ફાટ્યો હતો. જોકે હાલ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર વિવિધ રાજકીય પક્ષો તેમજ અપક્ષના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જયારે આગામી ત્રણ દિવસમાં ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખે જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં રસપ્રદ અને ખરાખરીનો જંગ ખેલાવવાનો છે. છેલ્લા 27 વર્ષથી શાસનમાં રહેલી ભાજપ ગઢ બરકરાર રાખવા મક્કમ બની છે. તો વર્ષોથી વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ પાર્ટી સત્તામાં પરત ફરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ક્યારે આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ બની ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી તેમજ અન્ય રાજકીય પક્ષો તેમજ અપક્ષના દાવેદારોએ પણ ચૂંટણી મહાસંગ્રામમાં ઝંપલાવ્યું છે. તો દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પૈકી દાહોદ વિધાનસભા બેઠક પર ભાજપના કનૈયાલાલ કિશોરી, કોંગ્રેસના હર્ષદ નિનામા, આમ આદમી પાર્ટીના દિનેશ મુનિયા, બીટીપીના દેવેન્દ્ર મેડા, તેમજ અપક્ષ તરીકે કિશન પલાસે દાવેદારી નોંધાવી છે. ત્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે લીમખેડા બેઠક પરથી અપક્ષ તરીકે લક્ષ્મણ બડકિયા, બીટીપીના રાજેશ હઠીલા, ફતેપુરા માંથી ભાજપમાંથી રમેશ કટારા, કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી કનુ કટારા, ગુજરાત નવનિર્માણ સેનામાંથી રાકેશ કિશોરી,બિાંમાંથી અલ્કેશ કટારા દેવગઢબારિયા માંથી અપક્ષ તરીકે પટેલ ભીમસીંગ, એનસીપીના ઉમેદવાર ગોપસિંગ ગવાર, ઝાલોદ વિધાનસભા બેઠક પર ત્રણ કોંગ્રેસ ચાર ભાજપ સાત અપક્ષ એક બિાં તેમજ ત્રણ અપક્ષો મળી 18 જેટલા ફોર્મ જમા થયા છે. તેવી જ રીતે ગરબાડા બેઠક પર ભાજપ કોંગ્રેસ સહીત 14 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું છે. હાલ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ફોર્મ ચકાસણી બાદ ત્રણ દિવસમાં ફોર્મ પરત ખેંચવામાં આવશે. ત્યારબાદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.