૪ મહિના પછી વિધાનસભા ચૂંટણી, શિવસેના- એનસીપીના ૨૦ ધારાસભ્યોની વાપસી શક્ય

લોક્સભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એનડીએને ૨૪ બેઠકો પર નુક્સાન થયું જેથી ભાજપ, સીએમ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીમાં બેચેની છે. ગઠબંધનને ડર છે કે જો લોક્સભા ચૂંટણી જેવો માહોલ રહેશે તો આગામી ૪ મહિના પછી યોજનાર વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન, શિંદે અને અજિત જૂથના ૧૫-૨૦ ધારાસભ્ય ઘરવાપસીની રાહ તલાશી રહ્યા છે.

એનસીપીના છગન ભુજબલ, શિંદેના મંત્રી અબ્દુલ સત્તારે સંકેત આપ્યા છે. મોદી કેબિનેટમાં એનસીપીને સ્થાન ન મળતાં અજિત જૂથમાં અસંતોષ વ્યાપી ગયો છે. મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી છે. ૨૦૧૯માં ભાજપ-શિવસેનાનું ગઠબંધન હતું ત્યારે ૨૮૮માંથી ભાજપ ૧૦૫ અને શિવસેના ૫૬ બેઠકો પર ચૂંટણી લડી હતી.

સૂત્રો મુજબ વિધાનસભા કાર્યકાળનો સમય હવે ચાર મહિના બાકી રહ્યો છે. તેથી શિંદે કે અજિત જૂથના ધારાસભ્યો ઉતાવળમાં પક્ષ નહીં બદલે. તેઓ ચાર મહિના સત્તામાં રહી ક્ષેત્ર માટે ફંડ લેશે. જ્યારે ચૂંટણી એકદમ નજીક આવશે ત્યારે નેતાઓમાં પક્ષપલટો જોવા મળી શકે છે. સીટ વહેંચણી વિવાદ- પોતાનો મુખ્યમંત્રી નીમવા ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભામાં ૧૭૦-૧૮૦ બેઠકો પર લડશે. ત્યારે શિંદે, અજિત ૧૦૦ પર નહીં માને.

પાર્ટી તોડવા બદલ લોક્સભા ચૂંટણીમાં શરદ-ઉદ્ધવને જનતાની સહાનુભૂતિ મળી. તેમનો સાથ આપવાથી કોંગ્રેસને પણ ફાયદો થયો. લોક્સભા પરિણામમાં નજર કરીએ તો ૨૮૮ વિધાનસભા ક્ષેત્રમાંથી ૧૫૦ પર ઈન્ડિયાના વોટ વધારે રહ્યા. આ દરમિયાન શરદ પવારે અજિતના ૩૦ ધારાસભ્યનો ટાર્ગેટ કરતાં તેમના વિરુદ્ધ મજબૂત ઉમેદવારો ઊભા રાખ્યા. અજિતના કેટલાક વિધાયકો ફરી પવાર પાસે આવવા માગે છે. પરિણામ બાદ અજિતની બેઠકમાં ૫ ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા.