નવી સરકાર બેસતાં જ ગુજરાતને મળ્યાં ૪૮૬૦ કરોડ, યુપીને સૌથી વધુ ફાળવણી

નવી સરકાર બેસતાં જ ગુજરાતને મળ્યાં ૪૮૬૦ કરોડ, યુપીને સૌથી વધુ ફાળવણી

કેન્દ્રમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર બની છે, તમામને મંત્રી મંડળ ફાળવી દેવામાં આવ્યા છે. નાણા મંત્રાલયની જવાબદારી એકવાર ફરી નિર્મલા સીતારમણને આપવામાં આવી છે. વિભોગની ફાળવણી બાદ નાણા મંત્રાલયે મોટો નિર્ણય લેતાં રાજ્યોને રૂ. ૧૩૯૭૫૦ કરોડનો ટેક્સ ડિવોલ્યુશન જારી કર્યો છે. જે અંતર્ગત સૌથી વધુ રકમ ઉત્તર પ્રદેશને આપવામાં આવી છે. જ્યારે ગુજરાતને રૂ. ૪૮૬૦.૫૬ કરોડ ફાળવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ ડિવોલ્યુશન હેઠળ જારી ફંડમાં ઉત્તરપ્રદેશને સૌથી વધુ ૨૫૦૬૯.૮૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે બિહારને રૂ. ૧૪૦૫૬.૧૨ કરોડ ટ્રાન્સફર કર્યા છે. આ લિસ્ટમાં સૌથી વધુ ફંડ મેળવવામાં ત્રીજા નંબરે મયપ્રદેશ છે. જેને રૂ. ૧૦૯૭૦.૪૪ કરોડ ફાળવાયા છે.

વચગાળાના બજેટ ૨૦૨૪-૨૫માં રાજ્યોના ટેક્સ ડિવોલ્યુશન માટે કુલ રૂ. ૧૨૧૯૭૮૩ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ અંગે નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, જૂન, ૨૦૨૪ માટે ડિવોલ્યુશનની રકમ નિયમિત જારી કરવા ઉપરાંત વધારાનો એક હપ્તો પણ જારી કરવામાં આવશે. રાજ્યો વિકાસ અને મૂડીગત ખર્ચ સંદર્ભે આ રકમનો ખર્ચ કરશે. વધારાનો હપ્તો ફાળવવાની સાથે ૧૦ જૂને રાજ્યોની કુલ ડિવોલ્યુશન રૂ. ૨૭૯૫૦૦ કરોડ (૨૦૨૪-૨૫) છે.

નાણા મંત્રાલયે ટેક્સ ડિવોલ્યુશન અંતર્ગત પશ્ર્ચિમ બંગાળને રૂ. ૧૦૫૧૩.૪૬ કરોડ, મહારાષ્ટ્રને રૂ. ૮૮૨૮.૦૮ કરોડ, રાજસ્થાનને રૂ. ૮૪૨૧.૩૮ કરોડ, ઓડિશાને રૂ. ૬૩૨૭.૯૨ કરોડ, અને ગુજરાતને ૪૮૬૦.૫૬ કરોડ ફાળવ્યા છે. ઝારખંડને રૂ. ૪૬૨૧.૫૮ કરોડ, કર્ણાટકને રૂ. ૫૦૯૬.૭૨ કરોડ, પંજાબને રૂ. ૨૫૨૫.૩૨ કરોડ, હિમાચલ પ્રદેશને રૂ. ૧૧૫૯.૯૨ કરોડ, કેરળને રૂ. ૨૬૯૦.૨૦ કરોડ, મણિપુરને રૂ. ૧૦૦૦.૬૦ કરોડ અને મેઘાલયને રૂ. ૧૦૭૧.૯૦ કરોડ ફાળવ્યા છે.