કહેવાય છે કે ખોટાનો સાથ આપનાર એટલા જ દોષી છે જેટલા ખોટું કરનારા. ચંડીગઢ એરપોર્ટ પર મંડીની નવી સાંસદ કંગના રાણાવતને થપ્પડ મારનારી સીઆઇએસએફ મહિલા જવાનની હરક્ત કોઈ રીતે વાજબી ન ગણી શકાય. માન્યું કે એ મહિલા જવાનને પોતાની માતા પર કરવામાં આવેલ કંગનાની ટિપ્પણી અશોભનીય લાગી હશે, પણ નારાજગી વ્યક્ત કરવાની બીજી પણ રીત હોય છે. જેને ખબર નથી કે કંગનાએ એવું શું કહ્યું હતું કે સીઆઇએસએફ જવાનને આટલો ગુસ્સો આવ્યો, તેમના માટે જણાવી દઈએ કે ખેડૂત આંદોલનમાં બેઠેલા કથિત ખેડૂતો જેમાંથી એક મહિલા જવાનની માતા પણ હતી, ત્યારે કંગનાએ કહ્યું હતું કે આંદોલનાં બેઠેલા લોકો ૧૦૦-૧૦૦ રૂપિયા લઈને બેઠા છે.
આ વાત મનમાં રાખીને એ મહિલાએ કંગનાને તમાચો ચોડી દીધો. બદલો અને ક્રોધ તેને રોકી ન શક્યા. કંગનાના ચૂંટણી જીતવાથી દાઝેલા કેટલાય બુદ્ઘિજીવીઓ-કોંગ્રેસીઓ-ડાબેરીઓ-નકલી ખેડૂતો અને ખાલિસ્તાની આતંકી પન્નુએ આ ઘટનાની ઉજવણી જ કરી. સોશ્યલ મીડિયામાં શેર કરીને લખ્યું કે આ બરાબર થયું. આ ઘટનાને યોગ્ય ગણાવનારા કે તેના સમર્થનમાં ઝંડો બુલંદ કરનારા લોકો એ ભૂલી ગયા કે ૧૯૮૪માં પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી પર તેમના જ બે સિક્યોરિટી ગાર્ડ્સે બદલાની ભાવનાને કારણે જ ગોળીઓ વરસાવી દીધી હતી. શું તે ઘટનાને યોગ્ય ગણી શકાય? એવી જ રીતે પૂર્વ પીએમ રાજીવ ગાંધી પર ૧૯૮૭માં બે વખત હુમલા થયા હતા અને તેઓ માંડ બચી શક્યા હતા.
એકમાં મહાત્મા ગાંધી સમાધિ સ્થળ પર તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી અને બીજી ઘટનામાં શ્રીલંકામાં ગાર્ડ ઓફ ઓનર આપતી વખતે પાછળથી શ્રીલંકન સૈનિકે બંદૂકનો કુંદો માર્યો હતો. શું એ ઘટનાઓ માટે કહી શકાય કે જે થયું તે બરાબર થયું? શરમજનક છે કે કોંગ્રેસ જેવી સૌથી જૂની પાર્ટી કંગના સાથે થયેલ આ ઘટના પર તાબોટા પાડી રહી છે, જેણે સુરક્ષાકર્મીઓની ગેરશિસ્તને કારણે પોતાના વડાપ્રધાન ગુમાવ્યા હતા! કારણ ભલે ગમે તે હોય, પણ વર્દીની ગરિમા અને ખુદનું અનુશાસન જળવાઈ રહેવું જોઇએ.
ઉપર દર્શાવેલી ઘટનાઓને વિસ્તારથી જોઈએ તો કદાચ મહિલા જવાન કુલવિંદર કૌરના કૃત્ય પર તાળીઓ પાડનારાને સમજ પડે. બધાને ખબર છે કે રાજીવ ગાંધીનું મોત એક બોમ્બ વિસ્ફોટમાં થયું હતું, જ્યારે તેઓ તમિલનાડુના શ્રીપેરુંબુદુરમાં હતા, પણ બધાને ખબર નહીં હોય કે તેમના પર ૧૯૮૬ અને ૧૯૮૭માં પણ બે વખત હુમલા થયા હતા. પહેલો હુમલો શ્રીલંકામાં થયો હતો. ત્યારે રાજીવ ગાંધી શ્રીલંકાના પ્રવાસે હતા. રાષ્ટ્રપતિ ભવન સામે ગાર્ડ ઓફ ઓનર રિસીવ કરી રહ્યા હતા ત્યારે જ તેમના પર પાછળથી શ્રીલંકન સૈનિકે બંદૂકનો ફટકો માર્યો હતો. જોકે તેઓ આ હુમલામાં બચી ગયા હતા. તેમને પહેલેથી જ આભાસ થઈ ગયો અને તેઓ નીચા નમી ગયા. તેમની સુરક્ષામાં તૈનાત બે જવાનોએ એ હુમલાખોર જવાનને પકડી લીધો અને ત્યાંથી દૂર ધકેલી દીધો. એ દરમ્યાન કેટલાક શ્રીલંકન સુરક્ષાકર્મી પણ તેમની મદદે આવ્યા. હુમલો કરનારો શ્રીલંકાના નૌકાદળનો જવાન હતો. તેને રાજીવ ગાંધી પર કોઈ વાતે ગુસ્સો હશે, તેનો મતલબ એ નહીં કે તે બંદૂકથી તેમના પર હુમલો કરી દે.
કંગના પર હુમલાને યોગ્ય ઠેરવનારા લોકો માટે ઇન્દિરા ગાંધી પર એમના જ બે સિક્યોરિટી ગાર્ડ દ્વારા હત્યા કરી દેવાની ઘટનાને પણ યાદ કરી લઈએ. સતવંત સિંહ અને બિયંત સિંહના મનમાં ૧૯૮૪ના ઓપરેશન બ્લૂસ્ટારની એ યાદો આગની જેમ ભભૂકી રહી હતી. બંનેએ કોઈને તેની ગંધ ન આવવા દીધી કે ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ તેઓ એવું કશું કરવાના છે. ઇન્દિરા ગાંધીના એ દિવસનો પહેલો કાર્યક્રમ અંગ્રેજી વૃત્તચિત્ર બનાવનારા પીટર એલેક્ઝેન્ટર ઉસ્તીનોવ સાથે હતો. એ દિવસે ઇન્દિરાએ તેમનો ઇન્ટરવ્યૂ શૂટ કરવાનો હતો. બાદમાં એ જ દિવસે તેમની મુલાકાત ઇંગ્લેન્ડના પૂર્વ વડાપ્રધાન જેમ્સ કેલેઘન સાથે થવાની હતી. સાંજે ઇન્દિરા ગાંધીએ રાણી એલિઝાબેથ દ્વિતીયની પુત્રી, બ્રિટિશ રાજકુમારી એન માટે રાત્રિભોજનું આયોજન કર્યું હતું. ઇન્દિરા ગાંધી સવારે ૭.૩૦ વાગ્યા સુધી પીટર સાથેના ઇન્ટરવ્યૂ માટે તૈયાર થઈ ગયાં હતાં.
શૂટિંગ માટે તેમણે કાળા બોર્ડરની ભગવા રંગની સાડી પહેરી હતી. જ્યારે ઇન્દિરા ગાંધી ૧, અકબર રોડના દ્વાર પર પહોંચ્યાં અને આરકે ધવન સાથે ચર્ચા કરી રહ્યાં હતાં. નારાયણ સિંહ તેમને તાપથી બચાવવા માટે છત્રી પકડીને ઊભા હતા. ત્યારે અચાનક તેમના અંગરક્ષકોમાંથી એક બિયંત સિંહે પોતાની બંદૂકથી એમના પર ગોળી ચલાવી દીધી. ગોળી તેમના પેટમાં વાગી. બિયંત સિંહે તેમની છાતીમાં બે બીજી ગોળી મારી દીધી. એક અન્ય સુરક્ષાકર્મી સતવંત સિંહ પોતાની કાર્બાઇન પકડીને પાસે જ ઊભો હતો. તેણે પણ પોતાની તમામ ૨૫ ગોળીઓ ખાલી કરી દીધી, જેમાંની મોટાભાગની ઇન્દિરા ગાંધીના શરીરમાં ઘૂસી ગઈ. રામેશ્ર્વર દયાલને પણ ગોળી વાગી અને તેઓ પડી ગયા. આરકે ધવન અને એક પોલીસકર્મી દિનેશ ભટ્ટ ઇન્દિરા ગાંધીને તેમના રાજદૂત વાહન સુધી લઈ ગયા. તેમના રાજકીય સચિવ માખનલાલ ફોતેદાર પણ હાજર હતા. બધા ઇન્દિરા ગાંધીને એઇમ્સ લઈ ગયા પણ તેમને બચાવી ન શકાયાં.