ગોધરા,ગોધરામાં સ્માર્ટ વીજ મીટર મુદ્દે સ્થાનિક રહિશો દ્વારા રેલી કાઢી એમજીવીસીએલ કચેરી ગોધરા ખાતે પહોંચી ધરણા સાથે આંદોલન કરવામાં આવ્યુ હતુ. ગોધરા ધારાસભ્ય અને રાજયસભાના સાંસદ સાથે ફોન ઉપર વાત કરતા આ મામલે બે-ત્રણ દિવસમાં તેઓ રાજયના મુખ્યમંત્રીને મળી સ્થાનિકોની વાત મુકશે તેમજ રજુઆત કરશે તે જણાવતા હાલ આંદોલન સ્થગિત કરવામાં આવ્યુ છે.
સ્માર્ટ વીજ મીટર પ્રોજેકટ બંધ કરવા માટે ગુજરાતમાં લોકો દ્વારા સતત વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના રહિશો દ્વારા ગત દિવસોમાં સ્માર્ટ વીજ મીટર કાઢી જુના વીજ મીટર પરત લગાવી આપવા મામલે એમજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં સ્માર્ટ વીજ મીટર પ્રોજેકટ રદ્દ કરવામાં આવે અને ગોધરા શહેરમાં અત્યાર સુધીમાં 7 હજાર જેટલા સ્માર્ટ વીજ મીટર લાગેલા છે. તે તાત્કાલિક ધોરણે કાઢીને જુના મીટર ફરીથી લગાવી આપવામાં આવે ત્યારે આ સમગ્ર મામલે ગોધરા શહેરના રહિશો દ્વારા 10 દિવસનો સમય આપ્યો હતો પરંતુ તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા ફરીથી ગોધરા શહેરના રહિશો દ્વારા ભુરાવાવ ચોકડીથી સ્માર્ટ વીજ મીટર પ્રોજેકટ વિરુદ્ધ રેલી કાઢી એમજીવીસીએલ કચેરી ગોધરા ખાતે પહોંચી ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. ત્યારે સ્થાનિક રહિશ દ્વારા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને ગુજરાત રાજયસભાના સભ્ય ડો.જશવંત પરમાર સાથે ફોન દ્વારા સ્માર્ટ વીજ મીટર મુદ્દે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે,બે-ત્રણ દિવસમાં તેઓ રાજયના મુખ્યમંત્રીને મળશે આ બાબતે તમારા વતી રજુઆત કરશે અને ચર્ચા બાદ જે કંઈ નિરાકરણ આવશે તે જણાવશે. ત્યારે આ મુદ્દે તંત્રને ફરીથી એક અઠવાડિયાનો સમય આપી ઉપવાસ આંદોલન હાલ સ્થતિ કરવામાં આવ્યુ છે. પરંતુ જો તેમ છતાં અમારી માંગ સ્વિકારવામાં નહિ આવે તો આવનાર દિવસોમાં અચોકકસ મુદ્દત માટે ઉપવાસ આંદોલન કરીશુ તેમ ગોધરા શહેરના રહિશોએ જણાવ્યુ છે.