મહેશબાબુના પિતાનું અવસાન:એક્ટર અંતિમ દર્શન કરતાં સમયે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, ચિરંજીવી-રામચરણે ગળે લગાવીને આંસુ લૂછ્યાં

મુંબઇ,

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતાનું અવસાન ૧૫ નવેમ્બરના રોજ થયું હતું. હજી બે મહિના પહેલાં મહેશબાબુની માતાનું અવસાન થયું હતું. માતા બાદ પિતાના જવાથી મહેશબાબુ એકદમ ભાંગી પડ્યો હતો. પિતાના અંતિમ દર્શન દરમિયાન મહેશબાબુ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

એક્ટર કૃષ્ણાના અંતિમ દર્શન માટે સાઉથ ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સ આવ્યા હતા. પ્રભાસ, ચિરંજીવી, જુનિયર દ્ગ્ઇ, રામચરણ, અલ્લુ અર્જુન, નાગ ચૈતન્ય, વેંકટેશ સહિતના સેલેબ્સ આવ્યા હતા. રામચરણ તથા ચિરંજીવીના ખભે માથું મૂકીને મહેશબાબુ રડી પડ્યો હતો. બંનેએ એક્ટરને સાંત્વના પાઠવી હતી.

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટામનેનીનું ૧૫ નવેમ્બરના રોજ સવારે ચાર વાગે કાડયેક અરેસ્ટને કારણે અવસાન થયું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને ૧૪ નવેમ્બરના રોજ હૈદરાબાદમાં કોન્ટિનેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

કૃષ્ણાના નામે સૌથી ઝડપથી ૨૦૦ ફિલ્મ કરવાનો રેકોર્ડ છે. તેમણે એક જ એક્ટ્રેસ સાથે ૪૮ ફિલ્મમાં કામ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ રેકોર્ડ કૃષ્ણાએ પોતાની બીજી પત્ની વિજયા સાથે બનાવ્યો હતો. તેમણે જયાપ્રદા સાથે ૪૭થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. આ રીતે તેમણે માત્ર ૨ હિરોઈન સાથે ૯૫ ફિલ્મમાં કામ કર્યું હતું.

કૃષ્ણાએ પોતાના કરિયરની શરૂઆત ૧૯૬૧માં સામાન્ય રોલ પ્લે કરીને કરી હતી. માત્ર ચાર વર્ષની અંદર તે તેલુગુ સ્ટાર બની ગયા હતા. ૧૯૭૫માં તેમની બેક ટુ બેક ૧૫ ફિલ્મ લોપ રહી હતી. તેમણે સંઘર્ષ ચાલુ રાખ્યો અને બીજા જ વર્ષે તેમણે હિટ ફિલ્મ આપી હતી. વર્ષ ૧૯૯૮માં તેઓ સંસદ પણ રહી ચૂક્યા હતા.

કૃષ્ણાબાબુની બીજી પત્ની વિજયાનું ૨૦૧૯માં ૨૭ જૂનના રોજ હાર્ટ અટેકથી અવસાન થયું હતું. આ વર્ષે ૮ જાન્યુઆરીના રોજ કૃષ્ણાના મોટા દીકરા રમેશબાબુએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. સપ્ટેમ્બર મહિનામાં કૃષ્ણાની પહેલી પત્ની ઈન્દિરાનું અવસાન થયું હતું.