શહેરાના ધામણોદ ગામે પીવાના પાણીની સમસ્યાથી મહિલાઓમાં રોષ

શહેરા તાલુકામાં સૌથી વધુ વસ્તી ધરાવતું ધામણોદ ગામમાં પીવાના પાણીની સમસ્યા હોવાથી મહિલાઓનો આક્રોશ સંબંધિત તંત્ર સામે જોવા મળી રહ્યો હતો. ગામના ચોપડા ફળિયા, ચોરા ફળિયા સહિતની અન્ય વિસ્તારની મહિલાઓ હેડ પંપના સહારે પાણી ભરી રહ્યા છે.

શહેરા તાલુકાના ધામણોદ ગામ ની વસ્તી 12000 કરતા વધુ હોવા સાથે આ ગામમાં ચોપડા ફળીયુ, ચોરા ફળિયું સહિત અન્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હોવાથી ગ્રામજનો અને પશુપાલકો ને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગામમાં પાણી પુરવઠાની યોજનાઓ હોવા છતાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓને હેડ પંપ ખાતે ઘરનું બધું કામકાજ છોડીને પાણી ભરવા જવું પડતું હોવા સાથે અમુક હેડ પંપ માં થોડીવાર પાણી આવીને બંધ થઈ જતા મહિલાઓને ના છૂટકે બીજા અન્ય હેન્ડ પંપ ખાતે પાણી ભરવા જતા હોય છે. ગ્રામજનો ને પાણી સમસ્યામાંથી છુટકારો મળે એ માટે રાજ્ય સરકારની નલસે જલ યોજના હેઠળ ઘરે-ઘરે ચકલીઓ તો મૂકવામાં આવી પણ એમાં પણ પાણી નહીં આવતા અહીંના ગ્રામજનોનો આક્રોશ સંબંધિત તંત્ર સામે જોવા મળી રહ્યો હતો. આ ગામમાં માથાના દુખાવા સમાન પીવાના પાણીની સમસ્યાથી ગામની મહિલાઓ, પશુપાલકો અને ખેડૂતો પણ હેરાન પરેશાન જોવા મળતા હોય ત્યારે સરકારની અનેક યોજનાઓ પાણીને લગતી કેટલી સાર્થક હશે તે અહીંની પરિસ્થિતિને જોતા ખબર પડી જતી હોય એમ કહીએ તો નવાઈ નહી.

ધામણોદ ગામમાં પીવાના પાણીની સમસ્યાથી ખાસ કરીને મહિલાઓ હેરાન પરેશાન હોવાથી ગ્રામ પંચાયત કચેરી પાસે આવેલા હેંડ પંપ ખાતે ચોરા ફળિયા સહિત અન્ય વિસ્તારની મહિલાઓ પાણી ભરતા નજરે પડી રહ્યા હતા.