હાઈકોર્ટ જજ લંચ લે, ત્યારે ડિસ્ટ્રક્ટ જજ ઊભા રહે છે, આવા વિચારો બદલો, યુવાનો આઇએએસ બનીને સિનિયરની બરાબરી કરે છે: સીજેઆઇ ચંદ્રચૂડ

નવીદિલ્હી,

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે દેશમાં ડિસ્ટ્રિક્ટ જજોને પ્રત્યેના વર્તનને લઈને કટાક્ષ કર્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના એક કાર્યક્રમમાં સીજેઆઈએ કહ્યું કે, હાઈકોર્ટ જજોને જિલ્લા અદાલતોને સબ-ઓડનેટ માનવાની માનસિક્તા બદલવી જોઈએ. તે આપણી સામંતવાદી માનસિક્તા દર્શાવે છે. આ વિચારો બદલવાની જરૂર છે. કોઈ યુવાન આઈએએસ અધિકારી બને તો સિનિયર સાથે બરાબરીથી જ વાત કરે છે.

સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, મને લાગે છે કે, સબ-ઓડનેટ સંસ્કૃતિને આપણે જ આગળ વધારી. આપણે જિલ્લા અદાલતોને નીચી ગણીએ છીએ. હું કહું છું કે, ડિસ્ટ્રિક્ટ જજોને સબ-ઓડનેટ જજો તરીકે ના બોલાવવા જોઈએ કારણ કે, તેઓ સબ-ઓડનેટ નથી.

સીજેઆઈએ કહ્યું કે, અનેક જગ્યાએ પરંપરા છે કે, જ્યારે હાઈકોર્ટ જજ લંચ કે ડિનર કરતા હોય છે, ત્યારે ડિસ્ટ્રિક્ટ જજ ઊભા રહે છે. તેઓ હાઈકોર્ટ જજને ભોજન પીરસવાનો પણ પ્રયાસ પણ કરે છે. હું જિલ્લા અદાલતની મુલાકાતે જતો, ત્યારે ભારપૂર્વક કહેતો કે, જ્યાં સુધી ડિસ્ટ્રિક્ટ જજ સાથે નહીં બેસે, ત્યાં સુધી ભોજન નહીં કરું. અનેકવાર ડિસ્ટ્રિક્ટ જજોને બેઠક માટે બોલાવાય છે, તો તેઓ હાઈકોર્ટ જજો સામે બેસવાની હિંમત નથી કરતા.

ચીફ જસ્ટિસ જિલ્લામાંથી પસાર થાય, ત્યારે ન્યાયિક અધિકારી જિલ્લાની સરહદે ક્તારમાં ઊભા રહે છે. આવા ઉદાહરણ આપણી સામંતવાદી માનસિક્તા દર્શાવે છે. આ બધું બદલવું પડશે. આપણે આ વિચારો બદલીને મોડર્ન જ્યુડિશિયરી, ઇક્વલ જ્યુડિશિયરી તરફ આગળ વધવું પડશે. આ ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી પાયાના માળકામાં સુધારાથી નહીં થાય, પરંતુ આપણે માનસિક્તા બદલવી પડશે. આપણે જિલ્લા ન્યયાતંત્રમાં સ્વાભિમાન પેદા કરવું પડશે.

સીજેઆઈએ કહ્યું કે, યુવાન આઈએએસ અધિકારીઓ પોતાના સિનિયર સાથે સમાન સ્તરે વાત કરે છે. બંને વચ્ચે બરાબરીની ભાવના હોય છે. યુવાન અધિકારી સમાનતા સાથે ચર્ચાવિમર્શ કરે છે. તેનાથી ખબર પડે છે કે, ભારત કઈ તરફ જઈ રહ્યું છે. યુવાનોમાં શિક્ષણ, આત્મવિશ્ર્વાસ અને આત્મસન્માનની ભાવના હોય છે. તેથી ન્યાયતંત્રમાં પેઢી દર પેઢી પરિવર્તન થઈ રહ્યું છે, જેમાં વધુને વધુ શિક્ષિતો આવી રહ્યા છે. પહેલા જ્યારે જૂની પેઢીના ટ્રાયલ જજ તેમની વાત કરતા હતા, તો દર બીજા વાક્યે ‘હા, જી સર’ બોલતા. હવે તો ન્યાયતંત્રમાં મહિલાઓ પણ આવી રહી છે. જો આપણે પરિવર્તન લાવવું હશે, તો પહેલા જિલ્લા ન્યાયતંત્રનો ચહેરો બદલવો પડશે.