કર્ણાટક સરકારે અન્નુ કપૂર અભિનિત ’હમારે બારહ’ની રિલિઝ પર સ્ટે મૂક્યો

કર્ણાટક સિનેમા (રેગ્યુલેશન) એક્ટ, ૧૯૬૪ની કલમો હેઠળ, કર્ણાટક સરકારે ફિલ્મ ’હમારે બારહ’ના રિલીઝ (પ્રસારણ) પર બે અઠવાડિયા અથવા આગામી આદેશ સુધી પ્રતિબંધ મૂક્યો છે. કારણ આપતા કહ્યું કે, જો રાજ્યમાં ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે તો તે સાંપ્રદાયિક તણાવ પેદા કરશે. કર્ણાટક સરકારે ફિલ્મનું ટ્રેલર જોયા બાદ અનેક લઘુમતી સંગઠનો અને પ્રતિનિધિમંડળોની વિનંતીને યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. બોમ્બે હાઈકોર્ટે પણ બુધવારના રોજ ફિલ્મ ’હમારે બારહ’ની રિલીઝને ૧૪ જૂન સુધી સ્થગિત કરી છે. અન્નુ કપૂર અભિનિત ફિલ્મની કોર્ટની સુનાવણી હવે ૧૦ જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે.

હિન્દી ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે વકીલ મયુર ખાંડેપારકર, અનીસા ચીમા અને રેખા મુસલે દ્વારા રજૂ કરાયેલ અઝહર તંબોલીએ અરજી દાખલ કરી હતી. અઝહર તંબોલીએ આક્ષેપ કર્યો હતો કે ’હમારે બારહ’એ મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને કુરાનનું ખોટું ચિત્રણ કર્યું છે. અરજીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સટફિકેશનને કેટલાક સંવાદો સામે વાંધો ઉઠાવતા યુ/એ સટફિકેશન સાથે તેની રિલીઝને મંજૂરી આપવા માટે પણ પ્રશ્ર્ન કરવામાં આવ્યો હતો

સીબીએફસીનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ અદ્વૈત સેઠનાએ તેમની દલીલમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે હમારે બારહને એક વિશેષ સમિતિ દ્વારા નજીકથી દેખરેખ રાખ્યા બાદ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું જેણે અમુક ફેરફારોની ભલામણ કરી હતી. અન્નુ કપૂરને ફોન કોલ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ કોર્ટે નિર્દેશ આપ્યો છે. અન્નુ કપૂર તાજેતરમાં જ ફિલ્મના નિર્દેશક અને નિર્માતાઓ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા.

ફિલ્મ ’હમારે બારહ’ની વાર્તા મંજૂર અલી ખાન સંજારીની આસપાસ ફરે છે, જે તેની પ્રથમ પત્નીને બાળકનાં જન્મ વખતે ગુમાવે છે. તે તેની બીજી પત્ની સાથે બાળકો પેદા કરવાનું ચાલુ રાખે છે જ્યાં સુધી તેની છઠ્ઠી ગર્ભાવસ્થા જીવલેણ બની ન જાય. મંજૂર અલી ખાને ગર્ભપાતની ડૉક્ટરની સલાહની અવગણના કર્યા પછી, તેની મોટી પુત્રી અલ્ફિયા તેની સાવકી માતાને બચાવવાનું વચન આપે છે અને તેના પિતાને ગર્ભપાતની માંગણી માટે કોર્ટમાં લઈ જાય છે.

અન્નુ કપૂરે તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચીતમાં આ ફિલ્મ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, હમારે બારહ’માં કામ કરવું એ મારા માટે અવિશ્ર્વસનીય સફર રહી છે. આ ફિલ્મ કેટલાક જટિલ અને સંવેદનશીલ વિષયો પર યાન આપે છે અને હું માનું છું કે નવું શીર્ષક અમારી વાર્તા કહેવાની સાથે વધુ સારી રીતે ગોઠવાય છે.”