આણંદના ખાનપુરમાં નદીમાં ડૂબતા ચારના મોત, મૃતકોમાં બે મહિલા અને બે યુવકો

આણંદના ખાનપુર પાસેની મહીસાગર નદીમાં ડૂબી જવાથી ચારના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, આણંદના ખાનપુર પાસેની મહીસાગર નદીમાં ડૂબવાના કારણે બે યુવક અને બે મહિલાઓના મોત નિપજ્યા હતા. મહીસાગર નદીમાં ચાર લોકો ન્હાવા પડ્યા હતા. જો કે આ ચારેય લોકો પાણીમાં ગરકાવ થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસની સાથે સ્થાનિકો પહોંચ્યા અને ચારેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા.મૃતકોની ઓળખ સુરેશ ઈશ્વરભાઈ વાઘેલા, પ્રકાશભાઈ બાબુભાઈ વાઘેલા, વાસુબેન પુજાભાઈ સોલંકી, જ્યોતિબેન પ્રકાશભાઈ વાઘે તરીકે થઇ હતી.

અગાઉ અરવલ્લીમાં પણ આવી ઘટના બની હતી. બાયડના ઝાંઝરી ધોધમાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી એક યુવાન બચી ગયો છે. જ્યારે બે યુવાનો હજુ પણ પાણીમાં લાપતા છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી યુવાનો આવ્યા હતા. ઝાંઝરી નદીમાં ન્હાવા પડ્યા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. લાપતા યુવાનોને શોધવા એનડીઆરએફ અને ફાયરની ટીમ કામે લાગી હતી. તાજેતરમાં સાબરકાંઠાના પ્રાંતિજના મહાદેવપુરા પાસે તળાવમાં ડૂબવાથી ત્રણ બાળકીના મોત થયા હતા. બકરા ચરાવવા ગયેલા ભાઈને ટિકિન આપવા ગઈ ત્યારે આ ઘટના બની હતી. મૃતક ત્રણેય બાળકી ઘડી ચાર રસ્તે ય્ઈમ્ પાસે છાપરામાં રહેતી હતી. સ્થાનિકો અને પરિવારના સભ્યોએ ડૂબી ગયેલી દીકરીઓને બહાર કાઢી હતી. જે બાદ પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. વ્હાલસોયીના મોતથી મૃતકોના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. પ્રાંતિજના મહાદેવપુરા ગામના તળાવમાં ઘડી ગામની ત્રણ બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. સ્થાનિકોને જાણ થતા પોલીસને બોલાવવામાં આવી હતી. સ્થાનિકો અને ફાયરના જવાનોએ આ ત્રણેય બાળકીઓના મૃતદેહને બહાર કાઢ્યાં હતા અને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.