નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના આશીર્વાદ લીધા

એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરીને તેમના આર્શીવાદ મેળવ્યાં હતા. નરેન્દ્ર મોદી આગામી રવિવારે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. છેલ્લા એક દાયકામાં પહેલીવાર લોક્સભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી, પરંતુ જેડીયુ-ટીડીપી સહીતના અન્ય સહયોગી પક્ષોની મદદથી એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એનડીએના સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ સૌથી પહેલા લાલકૃષ્ણ અડવાણીના ઘરે અને ત્યાર બાદ મુરલી મનોહર જોશીના ઘરે જઈને આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ એનડીએનું પ્રતિનિધિમંડળ પ્રમુખ દ્રૌપદી મુર્મુને મળ્યુ હતું અને ત્રીજી વખત નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો હતો.એનડીએ નેતાઓએ રાષ્ટ્રપતિને સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો. શપથ ગ્રહણ સમારોહ ૯ જૂને સાંજે ૬ વાગ્યે યોજાશે.

મહત્વનું છે કે ૯ જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના મીડિયા વિભાગે કહ્યું કે ’વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે અને વિક્રમસિંઘેએ તે આમંત્રણનો સ્વીકાર્ય કર્યો છે.’ આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે ’આ વાતચીત દરમિયાન મોદીએ શેખ હસીનાને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પણ આપ્યું હતું.’