રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મનસુખ સાગઠિયાએ ભાજપના ત્રણ હોદ્દેદારોના નામ આપ્યા

  • રાજકોટ અગ્નિકાંડમાં ૨૭ લોકોના મોત થયા છે. આ અગ્નિકાંડને લઈને રાજ્યમાં ભારે હોબાળો મચ્યો છે.

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મનસુખ સાગઠિયાએ વટાણા વેર્યા છે, તેણે ભાજપના ત્રણ હોદ્દેદારોના નામ આપ્યા છે. આમ રાજકોટ અગ્નિકાંડના મુદ્દે ચાલતી પૂછપરછમાં હવે એક પછી એક બાબતો બહાર આવી રહી છે. મનસુખ સાગઠિયા આ મુદ્દે ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશને તો સપ્ટેમ્બર ૨૦૨૩માં થયેલી આગના પગલે ગેમિંગ ઝોનના ડિમોલિશનનું કામ હાથ ધર્યુ હતુ, પરંતુ ભાજપના ત્રણ હોદ્દેદારોએ દરમિયાનગીરી કરીને આ ડીમોલિશન રોકાવ્યું હતું. આમ કોર્પોરેશનને તેનું કામ કરતાં અટકાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભાજપના એક કોર્પોરેટર નીતિન રામાણીનું નામ તો આ મુદ્દે ખૂલી ચૂક્યું છે અને તેમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે કોઈ રૂપિયા લીધા નથી, પણ ઇમ્પેક્ટ ફી ભરીને તેને કાયદેસર કરવા જણાવ્યું હતું. હવે મનસુખ સાગઠિયાએ લીધેલા નામમાં તેમનું નામ છે કે નહીં તે જોવાનું છે. આ ઉપરાંત હવે બીજા બે કયા હોદ્દેદારના નામ ખૂલશે તે પણ જોવાનું છે. હવે આટલા મોટા ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં મીડિયા આટલા સમયથી સક્રિય રહ્યું ત્યારે હજી માંડ એક કોર્પોરેટરનું નામ બહાર આવ્યું છે અને હજી પણ બીજા કેટલા નામો ધરબાયેલા છે જે બહાર આવી રહ્યા નથી. કમસેકમ હવે ત્રણ નામ હોવાની ચર્ચા થઈ રહી છે.

સરકારી અધિકારીઓની આ રીતે પૂછપરછ થતાં આગામી સમયમાં બીજા નામો પણ ખૂલે તો નવાઈ નહીં લાગે. તેથી આગામી સમયમાં આ મુદ્દે મોટો પર્દાફાશ પણ થઈ શકે છે. હવે આ મુદ્દે સરકાર પોતાને છેડો કઈ રીતે ફાડે છે અને કેટલા સામે કાર્યવાહી કરે છે તે જોવાનું મહત્ત્વનું રહેશે. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ મામલે ટીઆરપી ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીએ એસઆઇટી સમક્ષ મોટો ધડાકો કર્યો હતો. ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીએ ભાજપના કોર્પોરેટરે ૧.૫ લાખ લઈ તોડ કરી હોવાનો એસઆઇટી સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

યુવરાજ સિંહ સોલંકીએ કબૂલાત કરી કે ૨૦૨૩માં આગની ઘટના સમયે કોર્પોરેટરોનો સંપર્ક કર્યો હતો. અને તેમણે ડિમોલેશન અટકાવવા ૧.૫ લાખની માંગ કરી હતી. તેમજ ઇમ્પેક્ટ ફી ભરી બાંધકામ કાયદેસર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. હાલમાં આ મામલે એસઆઇટીના અધિકારીઓએ વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.

અગ્નિકાંડ મામલે હવે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીનું સામે આવ્યું છે. સંભવત અગ્નિકાંડ મામલામાં ભાજપના કોર્પોરેટરનું નામ સામે આવતા તેમની પૂછપરછ થાય તેવી શકયતા છે. નીતિન રામાણી વોર્ડ.૧૩ના કોર્પોરેટર છે. ગેમઝોન કાંડમાં રામાણીએ ઇમ્પેક્ટ ફી માટે ભલામણ કરી હતી. આ મામલે જ્યારે કોર્પોરેટર નીતિન રામાણીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે ખુલાસો કર્યો. કોર્પોરેટર નીતિન રામાણે જણાવ્યું કે પૈસા લઈ તોડ કરાયાની વાત ખોટી છે. મે ખાલી અધિકારીની ભલામણ કરી હતી. મેં પૈસા લીધા નથી. રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈન સહિત ૪ લોકોની ધરપકડ કરાઈ છે.

રાજકોટ આગકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટના ગેમઝોનના કન્સલ્ટન્ટે એસઆઇટી સમક્ષ માહિતી આપી કે ફાયર એનઓસીની અરજી વખતે ફાયર સેટીના સાધનોનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ ગેમઝોનના માલિકે આ સાધનો બહુ મોંઘા પડે તેમ કહીને વસાવ્યા નહોતા. સંચાલકો પૈસા વધુ ખર્ચવાનુ ટાળી ફાયર સેટીના સાધનો લીધા નહોતા. તો હવે આગકાંડમાં રાજકોટ મહાનગર પાલિકાના છ કોર્પોરિટર અને નેતાઓ પૂછપરછ થઈ શકે છે. ગમે ત્યારે નેતાઓના નામ એસઆઇટીમાં ખુલવાની સંભાવના દેખાઈ રહી છે.

ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સાથે સાંઠગાંઠ ધરાવનાર સુધી તપાસનો રેલો પહોંચશે. પૂર્વ મેયર પ્રદીપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલની પૂછપરછ કરવામાં આવશે. રાજકોટ આગકાંડની તપાસ કરતી એસઆઇટીની ટીમ તપાસનો રિપોર્ટ સોંપવા માટે વધુ સમયની માંગ કરી છે. ૧૦ દિવસ થયાં છતાં હજુ રિપોર્ટ તૈયાર ન હોવાને કારણે વધારાનો સમય માંગ્યો છે. હજુ પણ આ આગકાંડમાં કેટલાક લોકોના નિવેદનો લેવાઈ રહી છે અને અગ્નિકાંડ મામલાની તપાસ ચાલુ છે.રાજકોટ અગ્નિકાંડમાં ૨૭ લોકોના મોત થયા છે. આ અગ્નિકાંડને લઈને રાજ્યમાં ભારે હોબાળો મચ્યો છે. અગ્નિકાંડ મામલે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગ્નિકાંડમાં લોકોના મોત થવા મામલે એસઆઇટીને તપાસ સોંપવામાં આવી છે. તેમજ સરકાર પોતે જ ફરિયાદ બનતા હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું રજૂ કર્યું છે.