- 12 જુન સુધી મકાન માલિકો દ્વારા જરૂરી આધાર પુરાવા રજુ નહિ કરે તો કડક કાર્યવાહી કરાશે.
શહેરા, શહેરા તાલુકાના ઉંજડા ગામના ભરવાડ ફળિયામાં સરકારી ગામતળની જમીનમાં આવેલા 26 મકાનોના દરવાજા પર તાલુકા વિકાસ અધિકારીના આદેશથી નોટીસ ચોંટાડવામાં આવી હતી. ગ્રામ પંચાયતના તલાટીના જણાવ્યા અનુસાર ભરવાડ ફળિયામાં આવેલા મકાનોમાં કોઈ નહીં હોવાથી દરવાજા પર નોટિસ ચોંટાડી હતી. જોકે, તાલુકા પંચાયત કચેરી ખાતે જૂન માસની 12 તારીખના રોજ મકાનોના માલિક દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ નહીં કરે તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેતો નવાઈ નહી.
શહેરા તાલુકાના ગોકળપુરા ગામના પૂર્વ સરપંચની હત્યા ઊંજડા ગામના ભરવાડ ફળિયામાં રહેતા ત્રણ ઇસમો દ્વારા કરવામાં આવ્યા બાદ અહી રહેતા 26 પરીવારો ઘર છોડીને જતા રહયા હતા. જોકે, ભરવાડ ફળિયામાં આવેલા 26 મકાનો સરકારી ગામતળની જમીનમાં બનાવેલા હોવાનું તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના ધ્યાનમાં આવતા તેઓ દ્વારા આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે ગ્રામ પંચાયતના તલાટી અમિત ડામોર અને ગામના સરપંચ દિલીપ મહેરા ભરવાડ ફળિયામાં નોટિસ બજાવવા માટે ગયા ત્યારે અહી આવેલા મકાનોના દરવાજા બંધ હોવા સાથે કોઈ વ્યક્તિ હાજર નહિ હોવાથી દરવાજા પર નોટિસ ચોટાડવામાં આવી હતી.
નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગામ તળની જમીનમાં બનાવવામાં આવેલ મકાન છે, તેના આધાર પુરાવા સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે 11/6/2024 ને બપોરના 12:00 કલાકે હાજર રહેવું અને જો આ નોટિસ મળ્યા બાદ હાજર નહીં રહો તો પંચાયત ધારાની કલમ 105 મુજબ કાર્યવાહી કરવામાં આવનાર છે. ગામ માંથી જાણવા મળેલ મુજબ સરકારી ગામતળની જમીનમાં કાચા પાકા ઘરો બનાવીને 40 વર્ષથી ભરવાડ સમાજના અનેક પરીવારો પોતાના પશુ સાથે અહીં રહેતા હતા હાલમાં પૂર્વ સરપંચની હત્યાની બનેલ ઘટના બાદ ભરવાડ ફળિયામાં આવેલા 26 મકાનોમાં રહેતા લોકો ઘર છોડીને જતા રહયા હતા. જોકે, ભરવાડ ફળિયામાં સરકારી ગામતળની જમીનમા 26 જેટલા બનાવેલા મકાનોના માલિક દ્વારા જરૂરી આધાર પુરાવા રજુ નહી કરી શકે તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે તો નવાઈ નહી.
પાર્થ પટેલ તાલુકા વિકાસ અધિકારી… તાલુકા પંચાયત શહેરા….
ઊંજડા ગામના ભરવાડ ફળિયામાં સરકારી ગામતળની જમીનમા ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું શંકા હોવાથી મારા દ્વારા નોટિસ પાઠવામાં આવી છે.ભરવાડ ફળિયામાં રહેતા લોકોને જરૂરી આધાર પુરાવા સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે 12 તારીખના રોજ હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે.
તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સરકારી જમીનમાં દિનપ્રતિદિન વધતા જતા દબાણો સામે સંબંધિત તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ, પરંતુ એ નહીં કરવામાં આવતા અનેક લોકો સરકારી જમીનમાં પ્રવેશ કરીને દબાણ કરતા ખચકાતા ન હોય એમ કહીએ તો નવાઈ નહી. જોકે, સંબંધિત તંત્ર ધારે તો સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરી શકે પણ કયા કારણથી દબાણ દૂર કરવા માટે તેઓ કોના આદેશની રાહ દેખી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
શહેરા તાલુકાના ગોકળપુરા ગામના પૂર્વ સરપંચની 16 મે ના રોજ ભેલાણ બાબતે હત્યા કરી દેવામાં આવ્યા બાદ આરોપીના ગામ ઉંજડા ગામના ભરવાડ ફળિયામાં પોલીસનો બંદોબસ્ત પાછલા કેટલાક દિવસોથી ગોઠવવામાં આવી રહ્યો છે. જોકે, કોઈ અનિચ્છનીય ઘટનાના બને તે માટે પોલીસ દ્વારા આ ભરવાડ ફળિયામાં બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.