- અકસ્માતમાં મૃત્યુ પામેલ ગળતેશ્વરના રીક્ષાચાલકના પરીવાર માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના બની રક્ષાકવચ.
- અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ વાર્ષિક રૂ. 289ના પ્રિમિયમ સામે રૂ. 05 લાખ અને રૂ.499 ના પ્રિમિયમ સામે રૂ. 10 લાખની સહાય મળે છે.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેડા જીલ્લામાંથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે સમગ્ર દેશમાં લોન્ચ થઈ હતી અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના.
- ખેડા જીલ્લામાં આજ દિન સુધી અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા કુલ 31 વીમા ક્લેઈમ મંજુર કરી રૂ. 22,05,403 ની સહાય ચૂકવવામાં આવી.
નડિયાદ,કહે છે કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય. આજે શિક્ષણ, રોજગાર, આરોગ્ય, તકનીકી, કૌશલ્ય સહિત અનેકક્ષેત્રે યુવાનથી લઈને વૃદ્ધ સુધી તમામવયના લોકો માટે વિવિધ યોજનાઓના માધ્યમ સરકાર મિત્ર બનીને મદદ કરવા ખડેપડે ઉભી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓથી આજે મધ્યમવર્ગીય વ્યક્તિ મુશ્કેલીઓને સાહસ અને સન્માનથી પાર પાડતો બન્યો છે.
આવી જ એક કહાની ખેડા જીલ્લાનાં ગળતેશ્વર ના ગામના મધ્યમ પરીવારની છે. રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર રીક્ષાચાલકને કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના એટલે કે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો લાભ મળ્યો છે. ગળતેશ્ર્વરના મોટી માલવણના રહીશ સ્વ. ચંદ્રકાંતભાઈ અંબાલાલ વાણંદનું તા. 01 જૂનના રોજ રોડ અકસ્માતમાં દુ:ખદ મૃત્યુ થયેલ. ચંદ્રકાંતભાઈ વાણંદ રીક્ષા ચલાવીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે ચંદ્રકાંતભાઈનુ આકસ્મિક મૃત્યુ તેમના પરીવાર માટે દુખદ ઘટના બની છે.
સ્વ. ચંદ્રકાંતભાઈ વાણંદના આકસ્મિક મૃત્યમાં ભારત સરકારની શ્રમિક અંત્યોદય યોજના તેમના પરિવારની એક મિત્ર તરીકે મદદે આવી છે. શ્રમિક અંત્યોદય યોજના અંતર્ગત સ્વ. ચંદ્રકાંતભાઈ વાણંદના પરિવારને રૂ. 10 લાખની માતબર રકમનો વીમા ક્લેઈમ ચેક ખેડા જીલ્લા પોસ્ટ વિભાગ દ્વારા અર્પણ કરવામા આવ્યો છે.
સરકારની વીમા યોજનાથી મળેલ મદદ વિશે જણાવતા ચંદ્રકાંતભાઈના ભાઈ મહેન્દ્રભાઈ અંબાલાલ વાણંદ જણાવે છે કે, ભાઈનાં મૃત્યુ બાદ તેમનો પરિવાર આઘાતમાં સરી પડેલ અને તેમના પરિવારની તમામ જવાબદારીનો ભાર હવે મહેન્દ્રભાઈનાં ખભે છે. પરંતુ અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજનાથી મળેલ રૂ.10 લાખની સહાયથી તેઓને આર્થિક બળ મળ્યું છે. અને આવતા વર્ષોમાં પણ તેઓ તેમના ભાઈના પરિવારની મદદે મક્કમતાથી ઉભા રહી શકશે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂર્વ કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહણ ગત વર્ષે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના ખેડા જીલ્લામાંથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે સમગ્ર દેશમાં લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડા જીલ્લા પોસ્ટ વિભાગ દ્વારા આજ દિન સુધી કુલ 31 પરીવારોના વીમા ક્લેઈમ મંજૂર કરી કુલ રૂ. 22,05,403 ની સહાય ચૂકવવામાં આવી છે.
શું છે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના?
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાએ ભારત સરકારની અતિ મહત્વકાંક્ષી વીમા જૂથ યોજના છે. જેનાથી શ્રમિકોને નજીવા પ્રિમિયમના દરે આકસ્મિક અવસાનના સંજોગોમાં વીમાનું રક્ષાકવચ આપવામા આવે છે. ઉંમર વર્ષ 18 થી 65ની કોઈ પણ શ્રમિક વ્યક્તિ આ વીમા યોજનાનો લાભ મેળવી શકે છે. જેમાં, દુર્ઘટનામાં મૃત્યુ, કાયમી/આંશિક વિકલાંગતાના કેસમાં વાર્ષિક રૂ. 289 પ્રિમિયમની સામે રૂ. 05 લાખ સુધી અને વાર્ષિક રૂ.499 પ્રિમિયમ સામે રૂ.10 લાખ સુધીનું વિમાકવચ મળે છે. આક્સમિક હોસ્પીટલ ખર્ચ અને હોસ્પીટલના દાખલ થવાનો ખર્ચના કેસમાં અનુક્રમે 50 હજાર અને 01 લાખ સુધીની સહાય, અંતિમ સંસ્કાર વિધિ ખર્ચ, પાર્થિવ દેહ પરિવહન રૂ. 5 હજાર સુધીની સહાય, કોમાના સંજોગોમાં એક વખતના લાભ તરીકે અનુક્રમે રૂ. 50 હજાર અને રૂ 1 લાખની સહાય, અને વિમાધારક સભ્યના આક્સમિક મૃત્યુના કિસ્સામાં બે બાળકોના શિક્ષણ માટે રૂ. 1 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના વિશે વધુ માહિતિ માટે નજીક પોસ્ટ ઓફીસ કે ડાકસેવક પાસેથી મળી શકશે.