સંસદભવન સામેથી શિવાજી, ગાંધીજી અને આંબેડકરની પ્રતિમા હટાવાઇ,જયરામ રમેશ

લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામોએ કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફૂંકી દીધા છે. કોંગ્રેસના નેતાઓ એક્શન મોડમાં આવી ગયા છે. આના અનુસંધાનમાં કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે સંસદભવનની સામેથી છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ગાંધીજી અને ડો.ભીમરામ આંબડેકરની પ્રતિમા હટાવી દેવામા આવી છે.

આ મામલાને લઈને જયરામ રમેશે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે ફોટો પણ અપલોડ કર્યો છે.

આ પોસ્ટમાં કોંગ્રેસ નેતાએ લખ્યું કે, ’સંસદ ભવનની સામેની છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ગાંધી અને ડો.બાબાસાહેબ આંબેડકરની મૂર્તિઓને તેમના પ્રમુખ સ્થાનથી હટાવી દેવામાં આવી છે. આ ક્રૂરતા છે.’

રિપોર્ટ અનુસાર, સંસદ પરિસારમાં બાંધકામ કાર્ય અંતર્ગત મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર અને છત્રપતિ શિવાજી સહિત અન્યની મૂર્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ઘટનાને લઈને કોંગ્રેસે આકરા શબ્દોમાં સરકારની ટીકા કરી છે. આદિવાસી નેતા બિરસા મુંડા અને મહારાણા પ્રતાપની મૂર્તિઓને પણ જૂના સંસદ ભવન અને સંસદ લાયબ્રેરીની વચ્ચે એક લોનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. તમામ મૂતઓ હવે એક સ્થળે છે.