આમિર અલી અને સંજીદા શેખના ડિવૉર્સ ૨૦૨૧માં થઈ ગયા છે. બન્ને પોતાની લાઇફમાં આગળ વધી ગયાં છે. વેબ-સિરીઝ ’હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’માં સંજીદા જોવા મળી રહી છે. તાજેતરમાં જ કોઈનું નામ લીધા વગર સંજીદાએ કહ્યું હતું કે ’તમારી લાઇફમાં એવા પુરુષો કે પછી એવા પાર્ટનર્સ હોય છે જે તમને નિરુત્સાહી કરવાનો પ્રયાસ કરે છે. તેઓ કહે છે કે તમે કોઈ ચોક્કસ કામ નહીં કરી શકો. એટલે આવા લોકોથી દૂર રહેવું જોઈએ. દરેક રિલેશનશિપ્સમાં એવો તબક્કો આવે છે જ્યારે તમે એનાથી ખુશ હોવ છો તો ક્યારેક નથી હોતા. એથી એવા સમયે તમારે કોઈ નક્કર નિર્ણય લેવો જોઈએ અને મેં પણ એવું જ કર્યું. મેં મારી જાતને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું.’
તેના આવા નિવેદન પર પલટવાર કરતાં આમિર અલી કહે છે, ‘એવું જરૂરી નથી કે તે અને હું જે કંઈ પણ કહીએ એ એકબીજા માટે જ કહીએ છીએ. અમે પાંચ વર્ષથી સાથે નથી. એ સમય દરમ્યાન કદાચ તે આવી કોઈ સ્થિતિમાંથી પસાર થઈ હશે. અમારી સ્ટોરી તો હવે જૂની થઈ ગઈ છે. જુદા પડવાના ગાળામાં મારી સાથે શું થયું એ હું જાણું છું, પરંતુ કોઈના પર કાદવ ઉછાળવો એ મારા સ્વભાવમાં નથી. હું ક્યારે પણ કોઈને નીચા નથી દેખાડતો. તે લોકોને તો હું કદી અપમાનિત નહીં કરું જેમની સાથે મારા રિલેશન હતા.’