દે.બારીઆના રેબારીમાં ટ્રકની ટકકરે કાર ચાલકનુ મોત : ચારને ઈજાઓ

દે.બારીઆ, દે.બારીઆ તાલુકાના રેબારી ગામે હાઈવે પર ટ્રકની ટકકરમાં કાર ચાલક સહિત પાંચ લોકો ધાયલ થયા હતા. જેમાં કાર ચાલકનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.

દે.બારીઆના કાપડીમાં રહેતા શબ્બીરભાઈ સત્તારભાઈ પટેલ, ઈબ્રાહિમ અ.સલીમભાઈ પટેલ, સહેઝાદ સત્તારભાઈ ચાંદા અને આઝાદભાઈ હનીફભાઈ ભીખા કારમાં ગોધરા જવા માટે નીકળ્યા હતા. ત્યારે ઈન્દોૈર-અમદાવાદ હાઈવે ઉપર રેબારી ગામે ટ્રકના ચાલકે પોતાના કબ્જાનુ વાહન પુરઝડપે હંકારી લાવી કારને ટકકર મારી અકસ્માત કર્યો હતો. જેમાં કારમાં સવાર ચાલક સહિત પાંચેયને નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં શબ્બીરભાઈને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે રિફર કરે તે પુર્વે જ મોત નીપજયું હતુ. જયારે ઈબ્રાહિમ પટેલને માથામાં તથા પગમાં, સેહઝાદને છાતીમાં કમ્મર અને પગમાં માથામાં, આઝાદભાઈને માથાના ભાગે, સુફીયાન અહેમદને કમ્મરના ભાગે તથા માથામાં ઈજાઓ થતાં સારવાર માટે ગોધરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે ટ્રકની ભયંકર ટકકરમાં કારનો આગળનો ભાગ ખુરદો બોલી જતાં મોટુ નુકસાન થયુ હતુ. પીપલોદ પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.